અમદાવાદ પર મેઘો મહેરબાન, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 5 દિ’ વરસાદ

અમદાવાદ- શહેરમાં ફરી વરસાદી માહોલ સક્રિય થયો છે, સાથે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મંગળવાર રાતથી વરસાદ શરુ થયો છે. અમદાવાદમાં પણ મંગળવાર રાતથી જ ધીમો વરસાદ પડવાનો શરૂ થયો હતો. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્યગુજરાતમાં પણ વરસાદ શરૂ થયો છે. ખેતીલાયક વરસાદ પડવાની આગાહીના પગલે ખેડૂતોમાં પણ આનંદની લાગણી છવાઇ છે.દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. છત્તીસગઢ અને અરબી સમુદ્ર ઉપર વાતાવરણમાં સર્જાયેલી સાયક્લોનીક સરક્યુલેશન સિસ્ટમના કારણે આ વરસાદ થશે તેમ હવામાન વિભાગના નિયામક શ્રી જયંત સરકારે જણાવ્યું હતું.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે યોજાયેલી વેધર વોચ ગ્રૃપની સાપ્તાહિક બેઠકમાં રાજ્યની વરસાદી સ્થિતિનું અવલોકન કરતાં શ્રી સરકારે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં જુલાઇથી ઓગષ્ટ દરમિયાન સામાન્ય રીતે સારો વરસાદ થતો હોય છે. દક્ષિણ ગુજરાતના દરિયામાં ઝડપી પવનો ફુંકાવાની શક્યતા હોવાથી માછીમારોને આગામી દિવસોમાં માછીમારી ન કરવા પણ ચેતવણી આપવામાં આવી છે.

રાહત નિયામક અને અધિક સચિવ શ્રી એમ.આર.કોઠારીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં આગામી દિવસોમાં વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા NDRF ની કુલ-૧૫ ટીમને એલર્ટ કરાઇ છે. જે પૈકી તાપી, વલસાડ, સુરત, બનાસકાંઠા, જામનગર, અમરેલી ખાતે ૧-૧ જ્યારે ગાંધીનગર ખાતે ૦૩ અને વડોદરામાં ૦૬ ટીમ સ્ટેન્ડ બાય રખાઇ છે.  રાજ્યમાં વરસાદના કારણે અત્યાર સુધીમાં કુલ-૧૩ માનવમૃત્યુ નોંધાયા છે જેમાં ૧૧ ને સહાય ચૂકવવામાં આવી છે. આગામી દિવસોમાં સંભવિત વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા સમગ્ર તંત્ર સજ્જ છે તેમ  રાહત નિયામકે ઉમેર્યુ હતું.

હવામાનવિભાગના જણાવ્યાં અનુસાર આગામી પાંચ દિવસ ગુજરાતમાં ભારેથી અતિભાગે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાનવિભાગ દ્વારા આ અંગે રીપોર્ટ જાહેર કરાયો છે.
અમદાવાદ

અમદાવાદમાં મંગળવાર આખી રાત વરસાદ પડ્યાની માહિતી મળી રહી છે. થોડા વિરામબાદ સવારમાં પણ છાંટા શરૂ થયા હતા. આખા અમદાવાદમાં મેઘરાજાએ પોતાની મહેર વરસાવી હતી. રાતમાં પડેલા વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતા દિવસભરના બફારામાંથી રાહત મળી હતી.

દક્ષિણ ધમાકેદાર એન્ટ્રી


મંગળવારે પંચમહાલ જિલ્લામાં વરસાદની શરૂઆત થઇ ગઇ છે. ત્યાર ગાજવીજ સાથે વરસાદના આપડવાની સાથે જ વીજળી ગુલ થઇ હતી. ડાંગ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 2થી 3 ઇંચ વરસાદ પડ્યો હતો.જેમાં આહવામાં 2 ઇંચ, વઘઇમાં 2 ઇંચ, સુબીરમાં 3 ઇંચ, સાપુતારામાં 1 ઇંચ વરસાદ પડ્યો હતો.

સૂરત જિલ્લામાં છેલ્લા 24 કલાકનો વરસાદ

સૂરત જિલ્લા અને શહેરમાં 24 કલાકમાં બારડોલીમાં 3.75 ઈંચ, કામરેજમાં 1 ઈંચ, ચોર્યાસીમાં 4 ઈંચ, પલસાણામાં 2.75 ઈંચ, મહુવામાં 7 ઈંચ , માંડવીમાં 9 મિમી, માંગરોળમાં 4 મિમી, ઓલપાડમાં 16 મિમી અને સૂરત શહેરમાં 17 મિમી વરસાદ નોંધાયો છે. વડોદરામાં છેલ્લા 24 કલાકનો વરસાદ જોઇએ તો વડોદરા જિલ્લા અને શહેરમાં છેલ્લા 24 કલાકમાં વડોદરા શહેરમાં 75 મિમી, વાઘોડિયામાં 21 મિમી, ડભોઈમાં 15 મિમી, કરજણમાં 10 મિમી, પાદરામાં 12 મિમી, ડેસરમાં 7 મિમી, સિનોરમાં 5 મિમી અને સાવલીમાં 2 મિમી વરસાદ છે.

જાફરાબાદના ગામડાઓમાં એક કલાકમાં ત્રણ ઇંચ વરસાદ

જાફરાબાદના પાટી, માણસામાં ધોધમાર ત્રણ ઇંચ વરસાદ પડ્યો હોવાથી શેરી-બજારોમાં ગોઠણડૂબ પાણી ભરાયા હતા. બીજી તરફ જીકાદ્રી, મોટા માણસા, એભલવડ, ફિસરી, ટીંબીમાં અનરાધાર એક કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડતા નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. તેમજ માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. ટીંબીની રૂપેણી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું.
હવામાનવિભાગની  5 દિવસ ભારે વરસાદની આગાહી

પ્રથમ દિવસ

પાંચ દિવસની આગાહી મંગળવારથી શુક્રવાર સુધીની હતી, મંગળવારે રાજ્યમાં અનેક સ્થળો પર હળવાથી મધ્ય વરસાદ પડ્યો હતો. પાંચ દિવસની આગાહી પ્રમાણે પ્રથમ દિવસે રાજ્યમાં વીજળીના કડાકાભડાકા સાથે ઝરમર વરસાદ પડશે. તો સાઉથ ગુજરાત એટલે કે દમણ, દાદરા નગર હવેલીમાં વસરાદ પડશે. આ સિવાય સૌરાષ્ટ્ર તથા નોર્થ ગુજરાતમાં અનરાધાર વરસાદ પડશે.

બીજો દિવસ

બીજા દિવસે એટલે કે બુધવારે ગુજરાતમાં મેઘતાંડવના એંધાણ છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર તથા દમણ અને દીવમાં અનરાધારની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તો કચ્છના કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ પડી શકે છે.

ત્રીજો દિવસ

આગાહીનો ત્રીજો દિવસ એટલે કે ગુરુવારે પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને ખાબકી શકે છે.

ચોથો દિવસ

ચોથા દિવસે દાદરા નગર હવેલી, તથા દરિયાકાંઠે જેમ કે દીવ તથા સૌરાષ્ટ્રમાં સારા વરસાદના એંધાણ છે, આ સિવાય કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

પાંચમો દિવસ

પાંચમાં દિવસે ગુજરાતની આસપાસ વરસાદી સિસ્ટમ ખૂબ જ મજબૂત બની છે જેના કારણે મેઘરાજા મનમૂકીને વરસી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ સિસ્ટમને કારણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં પર સારો વરસાદ પડશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]