વરસાદી સરવૈયુંઃ કુલ 32 મોત, 4020 રેસ્ક્યૂ, રાજ્યનો કુલ વરસાદ 44 ટકા

ગાંધીનગર- મહેસૂલપ્રધાન કૌશિકભાઇ પટેલે આજે રાજ્યમાં થયેલ વરસાદની પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ જણાવ્યું હતું કે, ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં રાહત-બચાવની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. જે સત્વરે પૂર્ણ કરાશે. વરસાદી પાણી ઓસરે ત્યાં ખેડૂતોના પાકને થયેલ નુકશાનના સર્વે તેમ જ અસરગ્રસ્તોને મળવાપાત્ર સહાય સત્વરે ચૂકવવા જિલ્લા કલેકટરોને સૂચના આપી દેવાઇ છે.
સમગ્ર ગુજરાતમાં ચાલુ મોસમનો સરેરાશ વરસાદ ૪૪ ટકા જેટલો થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં ૨૯ જિલ્લાના ૧૪૦ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ થયો છે. ગીર-સોમનાથ, જૂનાગઢ, અમરેલી, વલસાડ, નવસારી અને ડાંગમાં વરસાદની તીવ્રતા વધુ હતી, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પણ ગુજરાતમાં વરસાદની પરિસ્થિતિ અંગે સતત ચિંતા કરતા હોય છે અને મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી પાસે પરિસ્થિતિ વિશે જાણકારી મેળવે છે.
ગઇકાલે મોડી રાત્રે મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપણીએ ગિર-સોમનાથ તથા રાજ્ય સરકારના વરિષ્ઠ પ્રધાનોએ વલસાડ, અમરેલી, જૂનાગઢ અને ડાંગ જિલ્લાની મુલાકાત લઈ રાહત-બચાવની કામગીરીનો તાગ મેળવ્યો અને સરકારી તંત્રને વિષમ પરિસ્થિતિને પહોંચી વળવા સુચના આપી. વિવિધ વિસ્તારોની મુલાકાત લઇ તંત્રને રાહત-બચાવની કામગીરીમાં ઝડપ લાવવા તાકીદ કરી હતી.
રાજ્યમાં રાહત-બચાવની કામગીરી માટે ૨૦ એન.ડી.આર.એફ.ની ટીમો કાર્યરત છે. જેના દ્વારા નીચાણ વાળા વિસ્તારોમાંથી ૪,૦૨૦ લોકોનું સલામત સ્થળે સ્થળાંતરણ કરાયું છે અને ૫૯૬ જેટલા લોકોને રેસ્કયુ દ્વારા બચાવી લેવાયા છે. ગિર-સોમનાથ જિલ્લામાં ૨૪,૦૦૦થી વધુ ફુડ પેકેટ્સનું પણ વિતરણ કરાયું છે. કૌશિક પટેલે કહ્યું કે, વરસાદી પાણી ઓસરે ત્યાં આરોગ્યની સેવાઓ સત્વરે પૂરી પાડવા માટે પણ જરૂરી સૂચનાઓ અપાઇ છે. સાથે સાથે ખેડૂતોના પાકને નુકશાન થયું હોય તો તેનો પણ સર્વે યુદ્ધના ધોરણે હાથ ધરાશે. ઉપરાંત વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને કેશડોલ્સ, ઘરવખરી સહાય અપાશે.
ભારે વરસાદથી પ્રભાવીત વિસ્તારોમાં રાહત-બચાવની કામગીરી, 32ના મોત, 4,020 લોકોને સલામત સ્થળે ખસેડાયા
 
–      પાણી ઓસરે ત્યાં પાક સર્વેની કામગીરી તથા સહાય સત્વરે ચૂકવવા કલેકટરોને સૂચના અપાઇ
–      છેલ્લા ૨૪ કલાકમાં રાજ્ય સરકારના આગોતરા આયોજન અને NDRFની પ્રસંશનીય કામગીરીને કારણે હોનારતો ટાળી શકાઈ છે
–      રાજ્યનો મોસમનો ૪૪ ટકા સરેરાશ વરસાદ ; આકસ્મિક સંજોગોને પહોંચી વળવા તંત્ર એલર્ટ
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]