વડોદરામાં વરસાદ ફરી શરુ, ભાવનગરના શેત્રુંજી ડેમમાં આવ્યાં નવા નીર…

અમદાવાદઃ વડોદરામાં 20 ઈંચ વરસાદ પડ્યાં બાદ શહેરમાં ભરાયેલાં પાણીએ હજી માંડ ઓસરવાની શરુઆત કરી છે ત્યાંતો ફરીથી એક વાર મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. ફરી એકવાર વડોદરામાં વરસાદ શરુ થયો છે. ત્યારે વરસાદને પગલે વડોદરાવાસીઓ ચિંતામાં મૂકાયા છે. વિશ્વામિત્રી નદીની સપાટીમાં ઘટાડો થવાનું શરુ થયું છે અને બીજી બાજુ ફરીથી એકવાર ધોધમાર વરસાદ શરુ થતાં લોકો ચિંતામાં મુકાયાં છે. તો ખંભાત અને સૂરતમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યાંના સમાચાર સામે આવી રહ્યાં છે.

વડોદરા શહેરના કાંઠા વિસ્તારમાં વડોદરા પોલીસ દ્વારા આજે સવારથી જ ફૂડ પેકેટ, બિસ્કીટ, દૂધ અને પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. બુધવારે બપોર બાદ 20 ઇંચ વરસાદ ખાબક્યા બાદ ગુરૂવારે અને શુક્રવારે પણ ધીમીધાર વરસાદ વરસ્યો હતો. આજે પણ બપોર બાદ વડોદરા શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે.

વિશ્વામિત્રી નદીની સપાટી અત્યારે 29 ફૂટ થઇ છે. જોકે વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે. જેથી વિશ્વામિત્રી નદી હજુ પણ ભયજનક સપાટીથી 3 ફૂટ ઉપર વહી રહી છે. જ્યારે આજવા ડેમની સપાટી પણ ઘટીને 211.75 ફૂટ થઇ છે.

તો બીજી  બાજુ ભાવનગર જિલ્લાના જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં પાણીની આવક શરૂ થઇ છે. ઉપરવાસમાં ભારે વરસાદની અસરથી શેત્રુંજી ડેમની સપાટી 18 ફૂટને આંબી ગઈ હતી. શેત્રુંજી ઉપરાંત જસપરા માંડવા અને ઉતાવળી ગુંદા ડેમમાં પણ નવા નીરની આવક થઇ છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આજે અમરેલી જિલ્લા સહિતના ઉપવાસના વિસ્તારોમાં ભારે વરસાદ થતાં બપોર સુધી શેત્રુંજી ડેમમાં પાણીની આવકમાં વધારો થયો હતો.

ગુજરડા કેઝમેન્ટમાં નવા નીર આવતા થતાં પાણીની સમસ્યા હલ થઇ ગઇ છે. નવા પાણીની આવક રાતથી શરૂ થઇ ગઇ છે. આ ડેમની સપાટી 20 ફૂટે પોહચી શકે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. રાતનાં 8.30 કલાક સુધીમાં 19,720 ક્યુરેક પાણીની આવક શરૂ રહી હતી. પાણીની આવકને કારણે શેત્રુંજી ડેમની સાટી ગઈકાલે 13.9 ફૂટ હતી. તે વધીને 16 ફૂટે પહોંચી ગઈ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]