કેટલાક વિસ્તારોમાં વરસાદ તો ક્યાંક વાદળછાયું વાતાવરણ રહ્યું

અમદાવાદઃ રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ પધરામણી કરી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદના ઝાપટા પડ્યાં હતાં તો હજી કેટલાક વિસ્તારોમાં ઘેરાયેલા કાળાડીબાંગ વાદળો વરસાદ આવવાના વાવડ આપી રહ્યા છે.અમદાવાદમાં પણ  સવારના સમયે કાળાડિબાંગ વાદળોએ વરસાદ પડવાની આશાઓ જન્માવી હતી.

મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે વલસાડ જિલ્લામાં પણ સવારથી જ તમામ તાલુકાઓમાં વાદળછાયું વાતાવરણ હતું. વલસાડ શહેર, કપરાડા અને ઉમરગામ પંથકમાં હળવો વરસાદ નોંધાયો છે. વલસાડ શહેરમાં પ્રથમ વરસાદ પડતા કાળઝાળ ગરમીથી ત્રસ્ત બનેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

વલસાડમાં ચોમાસાના પ્રથમ વરસાદનું આગમન થતા જ લોકોને ઠંડકનો અનુભવ થયો છે. તો આ તરફ ઉમરગામ પંથકમાં પણ વરસાદી ઝાપટુ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો કપરડા અને ધરમપુરમાં પણ મેઘરાજાની સવારી આવી પહોંચી છે. આ તમામ જગ્યાઓ પર મેઘરાજાનું આગમન ચોક્કસ થયું છે પરંતુ હજી ખેતીલાયક વરસાદ ન થતા ખેડૂતો વધારે વરસાદ થાય તેની મીટ માંડીને બેઠા છે.

તો આ તરફ સૌરાષ્ટ્રના ભાવનગર જીલ્લાના તળાજામાં પણ મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. અહીંયા વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી.

ગીરસોમનાથ પંથકમાં પણ વરસાદનું આગમન થઈ ગયું છે. જૂનાગઢમાં ભારે પવન સાથે હળવો વરસાદ વરસ્યો છે. વરસાદના આગમથી આ પ્રદેશના લોકોને ગરમીથી રાહત પ્રાપ્ત થઈ છે. રાજકોટના ગોંડલના કેટલાક વિસ્તારોમાં પણ મેઘરાજાએ પધરામણી કરી છે. તો સુરતના એલપાડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. અમરેલી જીલ્લાના રાજુલા અને જાફરાબાદ સહિત વાડીયામાં મેઘરાજાએ પધરામણી કરી છે. તો ગાંધીનગરમાં ગઈકાલે સાંજે આભમાં બેઠેલા કાળાડીબાંગ વાદળોએ નીર વરસાવ્યા હતા અને હળવો વરસાદ વરસ્યો હતો.

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો છે તો સાથે જ ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ફૂંકાઈ રહેલા ભારે પવનના કારણે હવામાન વિભાગ દ્વારા સાગરખેડુઓને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તો આ સાથે જ આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]