ગુજરાતમાં મેઘમહેરઃ નર્મદા ડેમની જળસપાટીમાં વધારો

અમદાવાદઃ લાંબા સમયથી મેઘરાજાએ ગુજરાતમાં વિરામ લીધો હતો. વરસાદે લીધેલા વિરામના પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. ત્યારે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આજે વહેલી સવારથી જ ગુજરાતભરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજ્યના કુલ 25 તાલુકાઓમાં બે થી પાંચ ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. તો બીજીતરફ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદાની સપાટીમાં વધારો થયો છે.હવામાન વિભાગે કરેલી આગાહી સાચી પડતાં વરસાદની રાહ જોતાં લોકોએ હાશકારો કર્યો હતો.

ઉપરવાસમાં સારા વરસાદને કારણે સરદાર સરોવર ડેમની સપાટીમાં ધરખમ વધારો નોંધાયો છે. હાલ ઉપરવાસથી નર્મદા ડેમમાં 67470 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. છેલ્લા 12 કલાકમાં ડેમની સપાટીમાં 32 સેન્ટીમીટરનો વધારો થયો છે. હાલ ડેમની સપાટી 111.30 મીટર પર પહોંચી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 25 તાલુકાઓમાં બેથી પાંચ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે, તો 33 તાલુકાઓમાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. છોટાઉદેપુરના તીલકવાડ તાલુકામાં પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો સુરતમાં પણ આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. સુરતના ઓલપાડ, કીમ સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. દાહોદ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દાહોદના ઝાલોદ, ફતેપુરા, ધાનપુર, લીમખેડામાં વરસાદ પડી રહ્યો છે.સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરવામાં આવે તો વઢવાણ – ૪૨ મીમી, ધાંગધ્રા –  ૩૩ મીમી, ચોટીલા – ૨૦ મીમી, થાનગઢ – ૨૫ મીમી, સાયલા – ૩૧ મીમી, ચૂડા- ૩૫ મીમી, લીંબડી –  ૨૬ મીમી, લખતર – ૩૨ મીમી, મૂળી – ૩૭ મીમી, દસાડા – પાટડી — ૩૫ મીમી જેટલો વરસાદ નોંધાયો છે.

તો પંચમહાલ જિલ્લાની જો વાત કરવામાં આવે તો ગોધરા- 4.16 ઈંચ, કાલોલ- 2.4 ઈંચ, હાલોલ- 1.88 ઈંચ, જાંબુઘોડા- 2.55 ઈંચ, ઘોઘંબા-1.84 ઈંચ, શહેરા- 2 ઈંચ, મોરવા હડફ- 1 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

છોટાઉદેપુર અને તીલકવાડા તાલુકામાં પાંચ ઈચ, કવાંટ, વાલોડ, ડોલવણ, ગોધરા, કુકરમુડા મળી કુલ ચાર તાલુકાઓમાં ચાર ઈચ, વ્યારા, સુબીર, નીઝર મળી કુલ ત્રણ તાલુકાઓમાં ત્રણ ઈચથી વધુ વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત ધાનપુર, ગરૂડેશ્વર, વાંસદા, ગરબાડા, સાગબારા, ઉચ્છલ, બોડેલી, જાંબુઘોડા, કાલોલ, મહુવા, નસવાડી, કપરાડા, દીયોદર, સંખેડા, શહેરા અને ઉમરપાડા મળી કુલ ૧૬ તાલુકાઓમાં બે ઈચથી વધુ જયારે અન્ય ૨૫ તાલુકાઓમાં એક ઈચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો સાંપડ્યાં છે.

તો આ તરફ જામનગરના મોટાભાગના વિસ્તારોમા ધીમીધારે વરસાદ શરૂ થઈ ગયો છે. લાંબા સમયથી વરસાદની પ્રતિક્ષા કરી રહેલા લોકોમાં વરસાદને પગલે આનંદની લાગણી છવાઈ ગઈ છે. મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા 17-19 તારીખ દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે આજે વહેલી સવારથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે.