રાજ્યમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ રાજ્યમાં ફરીએકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતના અનેક વિસ્તારમાં આગામી 48 કલાક દરમિયાન વરસાદની શક્યતાઓ છે.

જુનાગઢ અને ગીર સોમનાથ પંથકમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે. જુનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર ઝાપટાં ચાલું છે, જેમાં બિલખાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. ખાસ કરીને બાદલપુર, પ્રભાતપુર, શેમાંરાળા ગામોમાં દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

વિસ્તારોમાં વરસાદ થતા અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો ગીર સોમનાથ તેમજ તાલાળાના ગ્રામ્ય પંથકમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. ગીર ગઢડા અને આસપાસના વિસ્તારોમાં સતત બિજા દિવસે વરસાદી ઝાપટા પડ્યા હતા.

એક તરફ રાજ્યમાં વરસાદ ખેંચાયો છે, તો બીજી બાજુ સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. ઉપરવાસમાંથી પાણીની આવક 15343 ક્યૂસેક છે, જ્યારે ડેમમાંથી પાણીની જાવક 15520 ક્યૂસેક છે, હાલ ગુજરાતના અન્ય ડેમો અને પીવા માટે પાણી છોડવામાં આવી રહ્યું છે, ત્યારે જો વરસાદ ન થયો તો આગામી દિવસોમાં જીવાદોરી સમાન નર્મદાના નીર પણ બંધ થઇ જશે તો રાજ્ય માટે મુશ્કેલી બની શકે છે.