આગામી 48 કલાક દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

અમદાવાદઃ અમદાવાદમાં ગઈકાલે બપોરબાદથી અનેક વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે લાંબા સમયથી બાફ અને ઉકળાટનો સામનો કરી રહેલા અમદાવાદીઓને વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા હાંશકારો થયો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા હજી આગામી બે દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

કચ્છ અને સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે તેવા એંધાણ હવામાન ખાતા દ્વારા આપવામાં આવ્યા છે. તો આ સીવાય મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર પંથકની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા અને મોરબી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આ સીવાય દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત અને નવસારીમાં વરસાદ વરસી શકે છે. તો આ સીવાય દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની શક્યતાના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સલાહ આપી છે.

મહત્વનું છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યના કુલ 53 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. ઉમરપાડા, સુબીર, નવસારી, સુરત, અમદાવાદ, ધરમપુર, વાંસદા, ડાંગ, બોરસદ, નેત્રંગ, વાગરા, જેતપુર પાવી અને ગરબાડા મળી કુલ 12 તાલુકાઓમાં બે ઈંચ અને અન્ય 29 તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. ત્યારે હાલ પણ રાજ્યના ઘણા જીલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન ખાતા દ્વારા હજી પણ આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યના પૂર નિયંત્રણ એકમ, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલો મુજબ રાજ્યમાં સાર્વત્રિક વરસાદના કારણે રાજ્યના 23 જળાશયો હાઇએલર્ટ પર મુકવામાં આવ્યા છે. જ્યારે 11 ડેમો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. અન્ય 11 ડેમો માટે વોર્નિગ ઇશ્યુ કરવામાં આવી છે. એટલે કે 11 ડેમોમાં તેના સંગ્રહ ક્ષમતાની સામે 70 થી 80 ટકા પાણી ભરાયેલુ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]