વરસાદનો વિરામઃ સરદાર ડેમ 80 ટકા ભરાયો, મહત્ત્વના અન્ય ડેમોમાં આટલું પાણી…

ગાંધીનગર- ચોમાસાની સીઝનનો પાછલાં દિવસોનો સારો વરસાદ રાજ્યના જળસંચયને સમૃદ્ધ બનાવી રહ્યો છે. ચોમાસાની ઋતુમાં રાજ્યમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને પરિણામે અત્યાર સુધીમાં એટલે કે ૧૯ ઓગસ્ટની સવારે ૮.૦૦ કલાકની સ્થિતિએ રાજ્યના કુલ ૨૦૪ જળાશયોમાંથી ૩૬ જળાશયો ૨૫ થી ૫૦ ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે ૩૮ જળાશયો છલકાયા છે.

તેમાં ૪૩ જળાશયો ૭૦થી ૧૦૦ ટકા તેમ જ ૨૧ જળાશયો ૫૦થી ૭૦ ટકા વચ્ચે ભરાયાં છે.કપરા સમયમાં પાણીની જરુરિયાત માટે જીવાદોરી બનતાં સરદાર સરોવર જળાશયમાં અત્યાર સુધીમાં કુલ સંગ્રહશક્તિના ૮૦.૬૪ ટકા ભરાયું છે તેમ રાજ્યના જળ સંપત્તિ વિભાગ દ્વારા મળેલા અહેવાલોમાં જણાવાયું છે.

રાજ્યમાં હાલમાં ૫,૦૦૦ ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં ૨,૬૫,૦૫૯, વણાકબોરીમાં ૫૯,૩૮૬, કડાણામાં ૪૭,૯૫૪, ઉકાઇમાં ૩૯,૧૦૨, દમણગંગામાં ૯,૩૫૮, કરજણમાં ૬,૦૩૮ ક્યુસેકનો સમાવેશ થાય છે. ગુજરાતની નદીઓના ઉપરવાસમાં અન્ય રાજ્યોમાં પણ સારો વરસાદ હોવાને કારણે ડેમોમાં વધુ નવા નીર આવ્યાં છે.

સાથે, અન્ય મહત્ત્વના જેમની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૨૯.૮૮ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૯૨.૬૮ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૭૯.૭૮ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૬૦.૯૩ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૫૨.૩૭ એમ રાજયમાં કુલ-૨૦૪ જળાશયોમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો ૭૦.૮૧ ટકા એટલે ૩,૯૪,૧૮૭.૪૪ મીટર ઘન ફૂટ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે, તેમ જળસંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવાયું છે.