પોરબંદરમાં રાહુલ ગાંધીઃ મોદીએ ચોરોના રુપિયા વ્હાઇટ કરી આપ્યાં

પોરબંદરઃ રાહુલ ગાંધી આજથી બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યાં છે. રાહુલ ગાંધીએ પોરબંદરની મુલાકાત લીધી હતી. રાહુલ ગાંધીએ અહીંયા માછીમાર અધિકાર સભામાં માછીમારોને સંબોધન કર્યું હતું. રાહુલ ગાંધીએ જય રામદેવજી બોલીને પોતાના સંબોધનની શરુઆત કરી હતી.

રાહુલે સભાની શરૂઆતમાં જનતાને સવાલ પૂછ્યો કે શું તમે ગુજરાતના રસ્તાઓ પર નેનો કાર જોઈ….ટાટા નેનો બનાવવા માટે ટાટા કંપનીને 35 હજાર કરોડ રૂપિયા સરકારે આપ્યા છે, અમે જેટલા પૈસા મનરેગા માટે ફાળવ્યાં હતાં તેટલા પૈસા ગુજરાત સરકારે નેનો માટે આપ્યાં છે. સત્ય એ છે એક ઉદ્યોગપતિને 33 હજાર કરોડ રૂપિયા અને બીજી તરફ કરોડો લોકો માટે માત્ર 300 કરોડ રૂપિયા ક્યાંનો હિસાબ છે આ.

રાહુલ ગાંધીએ નોટબંધીને લઈને વડાપ્રધાન મોદી પર પ્રહાર કરતા જણાવ્યું કે નરેન્દ્ર મોદીએ ગરીબોને લાઈનમાં ઉભા કરી દીધાં પરંતુ ક્યારેય સૂટબૂટવાળા મોટા લોકોને લાઈનમાં જોયાં નથી. રાહુલ ગાંધીએ આ અંગે એક મોટું નિવેદન આપતા જણાવ્યું કે નરેન્દ્ર મોદીએ આખા ભારતના ચોરોના બ્લેક મનીને વ્હાઈટ કરી આપ્યાં. રાહુલ ગાંધીએ માછીમારોને કહ્યું કે અત્યારે તમારે માછીમારી કરવા માટે દરિયામાં પહેલા કરતા દૂર સુધી જવું પડે છે તેનું કારણ છે પ્રદૂષણ અને આ પ્રદૂષણ નરેન્દ્ર મોદીના 10 થી 15 ઉદ્યોગપતિઓ ફેલાવ્યું છે. રાહુલે જણાવ્યું કે ભાજપે ગુજરાતના યુવાનોને રોજગાર આપવાની વાત કરી હતી તો આજે ગુજરાતમાં 50 લાખ બેરોજગાર યુવાનો શા માટે છે. રાહુલે જણાવ્યું કે હકીકત એ છે કે તમારા બધા પૈસા તમારી પાસેથી લઈ લીધા અને માત્ર 10 થી 15 ઉદ્યોગપતિઓને આપ્યાં.

રાહુલ ગાંધીએ જણાવ્યું કે મોદીજી અત્યારે પોતાના મનની વાત કરે છે પરંતુ ગુજરાતમાં જો અમારી સરકાર બનશે તો અમે તમારા મનની વાત કરીશું. રાહુલે જણાવ્યું કે કોંગ્રેસની સરકાર બનશે તો તે ખેડૂતોની, ગરીબોની, બેરોજગારોની સરકાર હશે અને અમે તમને તમારો હક્ક આપીશું.