ગાંધીનગરઃ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી દ્વારા આજે એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. રાહુલ ગાંધી દ્વારા પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન ગુજરાત સરકાર પર કરવામાં આવેલા પ્રહારોનો જવાબ આપવા માટે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. પ્રેસ કોન્ફરન્સમાં સીએમ દ્વારા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરવામાં આવ્યાં હતાં. મુખ્યપ્રધાન રૂપાણીએ જણાવ્યું કે નોટબંધી બાદ ઘણી ચૂંટણીઓ થઈ છે જેમાં 80 ટકા ગ્રામ પંચાયતોમાં ભાજપનો વિજય થયો છે. તો આ સિવાય ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ ભાજપને બહુમતી મળી છે જે જોતા સ્પષ્ટ થાય છે કે ભારતની જનતા વડાપ્રધાન મોદીને સમર્થન કરી રહી છે. તો રાહુલ ગાંધી પર પ્રહાર કરતા સીએમ રૂપાણીએ જણાવ્યું કે રાહુલ ગાંધી ગુજરાતમાં આવી પોતાના ભાષણોમાં માત્ર ગપ્પા જ મારે છે ખબર નહી તેમને ભાષણની સ્ક્રિપ્ટ કોણ લખી આપે છે તેઓ જે આંકડા બોલે છે તે કોઈપણ પ્રકારના આધાર પુરાવા વગરના બોલે છે.
મુખ્ય પ્રધાન રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કોંગ્રેસને આડેહાથ લેતા જણાવ્યું હતું કે કાળા નાણાને દેશમાંથી દૂર કરવા માટે કોંગ્રેસે ક્યારેય પોતાની ઈચ્છા વ્યક્ત નથી કરી પરંતુ કોંગ્રેસ જાણે કાળા નાણાને બચાવવા માટે નિકળી હોય તે પ્રકારના પગલા તેણે લીધા છે. તો આ સિવાય જીએસટી મુદ્દે પણ કોંગ્રેસ દ્વારા ભાજપનો જે રીતે વિરોધ કરવામાં આવ્યો તે જોતા કોંગ્રેસની નીતિ ખુલ્લી પડી ગઈ છે. GST કાઉન્સિલમાં કોંગ્રેસના પણ નાણાં પ્રધાન છે પરંતું જીએસટી કાઉંસીલની બેઠક યોજાય ત્યારે જે નિર્ણયો અથવા તો બદલાવ લાવવામાં આવે તે અંગે કોંગ્રેસના કોઈ નાણા પ્રધાન દ્વારા ક્યારેય વિરોધ કરવામાં આવ્યો નથી.. GST ઘટાડવા અંગે એક 2 મહિના પહેલાથી જ નિર્ણયો લેવાય છે તરત કશું લાગુ કરવામાં નથી આવતું તમામ મુદ્દે નિષ્ણાંતો દ્વારા ઠોસ વિચાર અને યોગ્ય તપાસ કરીને પછી તેને લાગુ કરવામાં આવે છે. મુખ્યપ્રધાને જણાવ્યું કે કોંગ્રેસ જે રીતે જીએસટીને લઈને રાજનીતિ કરી રહી છે તે ખરેખર દેશના ભવિષ્ય માટે ખરાબ છે.
રાહુલ ગાંધીના રોજગારીના મુદ્દાને લઈને સીએમ રૂપાણી દ્વારા રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહારો કરવામાં આવ્યા હતા. સીએમે જણાવ્યું કે રાહુલ ગાંધી જે 30 લાખ બેરોજગારોનો આંકડો આપે છે તે તદ્દન ખોટો છે. દર વર્ષે રોજગાર મંત્રાલય આંકડા બહાર પાડે છે, તે અનુસાર રોજગારી ક્રિએશનમાં ગુજરાત નંબર 1 છે. 1000 લોકો પૈકી માત્ર 9 લોકો જ બેરોજગાર છે. ગુજરાતમાં 5 લાખ 75 હજાર લોકોની રોજગાર મુદ્દે નોંધણી થઈ છે. તો આ સિવાય નર્મદાના પાણીને લઈને કોંગ્રેસ સરકાર દ્વારા ભાજપ સરકાર પર જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે અંગે વળતો જવાબ આપતા સીએમ રૂપાણીએ જણાવ્યું કે કોંગ્રેસ નર્મદા મુદ્દે જુઠાણાં ફેલાવે છે. અમારી પ્રાથમીકતા લોકોને પીવાનું પાણી પહોંચાડવું અને ખેડુતોને સીંચાઈ માટે પાણી પહોંચાડવાની છે. પીવાના પાણી તરીકે 78%, ઉદ્યોગોને 2 % પાણી આપીએ છીએ. બેરોજગારી, ભ્રષ્ટાચારએ રાષ્ટ્રીય મુદ્દો છે અને બેકારી, ગરીબી અને ભ્રષ્ટાચાર માટે કોંગ્રેસ જવાબદાર છે કારણ કે કોંગ્રેસે પોતાના 6 દાયકાથી વધુના શાસનમાં કશું કર્યું નથી.