અમદાવાદઃ શહેરની જાણીતી એચએલ કોલેજમાં એક વિદ્યાર્થી સાથે મારામારી કરી રેગિંગ કરવાની ઘટના સામે આવી છે. ત્યારે સમગ્ર મામલે વિદ્યાર્થીએ કોલેજ કેમ્પસમાં બેસતા અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસ ફરીયાદ પણ નોંધાવી છે. વિદ્યાર્થીએ જણાવ્યું કે આ વિદ્યાર્થીઓ દ્વારા જાહેરમાં મારુ રેગિંગ કરવામાં આવ્યું હતું અને સાથે જ જાતિ વિષયક અપશબ્દો બોલીને મને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપવામાં આવી હતી. કોલેજના વિદ્યાર્થીએ આવા ત્રાસથી 21 સપ્ટેમ્બરના રોજ ફિનાઇલ પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
પીડિત વિદ્યાર્થીએ કુલ ચાર લોકો વિરુદ્ધ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ લોકો દ્વારા છેલ્લા 3 દિવસથી આ વિદ્યાર્થીને હેરાન કરવામાં આવતો. 20 સપ્ટેમ્બરના રોજ આરોપીઓએ કોમર્સ છ રસ્તા પાસે બોલાવી અને લાફા મારીને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.
પીડિત વિદ્યાર્થી મૂળ રાજુલા તાલુકાના એક ગામનો રહેવાસી છે. આ વિદ્યાર્થી એચ.એલ કોલેજના એફવાય બીકોમના સેમેસ્ટર-1માં અભ્યાસ કરે છે અને ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી કોલેજની હોસ્ટેલમાં રહે છે.