દુષ્કાળને લક્ષમાં રાખી સારંગપુર ખાતે ‘પુષ્પદોલોત્સવ-2019’માં પાણીનો ઉપયોગ કરવામાં નહીં આવે

સારંગપુર (ગુજરાત) – ભગવાન શ્રી સ્વામિનારાયણના સમયથી તીર્થધામ સારંગપુર (જિલ્લો બોટાદ) રંગોત્સવ માટે પ્રખ્યાત છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે અહીં રંગોત્સવ કરીને સૌને દિવ્ય આનંદ આપ્યો હતો તેની સ્મૃતિમાં આજ સુધી દર વર્ષે હોળી-પુષ્પદોલોત્સવ પ્રસંગે અહીં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા રંગોત્સવ યોજવામાં આવે છે.

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે અહીંના રંગોત્સવને એક વિશેષ આધ્યાત્મિક મહત્ત્વ આપીને લાખો ભક્તોમાં તેનું અનોખું આકર્ષણ જન્માવ્યું હતું. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના અનુગામી પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજના સાંનિધ્યમાં પણ આ રંગોત્સવ ઊજવાય છે.

પરંતુ ગયા વર્ષે ગુજરાતમાં જરૂરિયાત કરતાં ઓછો વરસાદ થયો હોવાને કારણે રાજ્ય સરકાર દ્વારા દુષ્કાળની તાજેતરમાં જાહેરાત કરવામાં આવી છે. આવા કટોકટીના સમયે પોતાની નૈતિક જવાબદારી સમજીને બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા હંમેશાં સમાજહિત માટે પહેલ કરવામાં આવી છે.

દુષ્કાળની આ સમસ્યાને લક્ષમાં રાખીને, પાણીનો બચાવ કરવા માટે પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાએ પુષ્પદોલોત્સવ-હોળી પ્રસંગે રંગોત્સવની ઉજવણી સાદાઈથી કરવાનું નિરધાર્યું છે.

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આંતરરાષ્ટ્રીય સંયોજક પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ‘દુષ્કાળનો પ્રસંગ હોય કે ભૂકંપરાહતકાર્ય હોય કે પુલવામા ખાતે શહીદ થયેલા સૈનિકોને સહાય આપવાની બાબત હોય, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાએ તેના સૂત્રધાર પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને તેમના અનુગામી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આદેશ મુજબ આવા પ્રસંગે સૌને પ્રેરણા આપતી પહેલ કરી છે. એ જ રીતે આ વર્ષે દુષ્કાળની પરિસ્થિતિને લક્ષમાં રાખીને પાણીના બચાવ માટે સારંગપુર ખાતે તા. 21-3-2019ના રોજ પુષ્પદોલોત્સવનો કાર્યક્રમ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સાંનિધ્યમાં યોજાશે પરંતુ તેમાં પાણીનો ઉપયોગ કરવામાં નહીં આવે. રાજ્ય સરકારના ‘પાણી બચાવો’ જાહેર હિતની ઝુંબેશમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા આ રીતે એક મહત્ત્વનું યોગદાન આપશે.’