પરપ્રાંતીય ફેરિયાઓથી ઉભરાતી ફૂટપાથો….

અમદાવાદ- શહેરના માર્ગોની ફૂટપાથો, સરકારી  ઇમારત નજીકની ફૂટપાથો અને સાબરમતી નદીના તમામ બ્રિજની ફૂટપાથો પાસેથી પસાર થતી વેળાએ વિવિધ ચીજવસ્તુઓ જોવા મળે છે. કેટલીકવાર ફૂટપાથ પર માર્ગોના છેડે, શહેરની ખુલ્લી જગ્યાઓમાં વેચાતી ચીજવસ્તુઓ સિઝનલ હોય છે. હાલ ઠંડીની સિઝનમાં રેકઝિન ના જેકેટ્સ, કપડાંની તૈયાર કોટીઓ , સ્વેટર્સના ઢગલાં અને શાન્તા ક્લોઝની ટોપીઓ કપડાં વેચાતા જોવા મળે છે.

છેલ્લા કેટલાક  વર્ષોથી આ ફૂટપાથ પર વેચાણ કરાતાં લોકોમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. પેટિયુ રળવા એક ગામથી બીજે ગામ અને એક પ્રાંતમાંથી બીજા પ્રાંતમાં હજારો  લોકો સ્થળાંતર કરી સ્થાયી પણ થતાં હોય છે. પણ છેલ્લાં કેટલાક સમયમાં માર્ગો પરની ખુલ્લી જગ્યા અને ફૂટપાથો પર પરપ્રાંતીય ફેરિયાઓથી ભરચક જોવા મળે છે. હાલ ચાલતી શિયાાળાની ઋતુમાંજ રેકઝિનના જેકેટ્સ લઇ કેટલાક યુવાનો વેપાર કરવા દિલ્હી થી આવ્યા છે.

કપડાંની વિવિધ રંગોવાળી કોટીઓ મધ્યપ્રદેશ થી બનાવડાવી ફેરી કરવા ઉત્તરપ્રદેશ-મધ્યપ્રદેશના લોકો મોટી સંખ્યામાં આવ્યા છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની ફૂટપાથ પર ફસ્ટ કોપી શુઝનો નાનકડો ઢગલો  લઇ દિલ્હીના લોકોએ અડીંગો જમાવ્યો છે. જ્યારે ક્રિસમસ-નાતાલ નજીક આવતાં જ સવાઇ માધોપુર રાજસ્થાનની એક ચોક્કસ વિચરતી જાતિના લોકો દિલ્હીથી શાંન્તાક્લોઝના કપડાં,  ક્રિસમસ  ટ્રી જેવી અનેક ચીજવસ્તુઓ લઇને વેચાણ કરતાં જોવા મળી રહ્યા છે. શાન્તાક્લોઝ-ક્રિસમસ ટ્રી વેચતા લોકો સી.જી રોડ, એસ.જી.રોડ તેમજ શહેરના જુદા જુદા બ્રિજ પર પરિવાર સહિત જોવા મળી રહ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું દબાણ ખાતું, ટ્રાફિક પોલીસ, પોલીસના જુદા જુદા વિભાગો જ્યારે એક ફૂટપાથ પરથી ઉઠાડે તો બીજી ફૂટપાથ પર ચાલતી પકડી વેપાર કરવા ગોઠવાઇ જાય છે. સ્માર્ટ સિટી બનાવવાની હોડ,  મોડલ રોડ બનાવવાની કામગીરી વચ્ચે વિચરતી જાતિઓ, પરપ્રાંતીયો એક ફૂટપાથથી બીજી ફૂટપાથ પર ગોઠવાઇ ગ્રાહકો શોધી રહ્યા છે. કારણ, કેટલાકે ખેતીની આવકમાંથી સિઝનેલ ધંધાનું રોકાણ કર્યું છે, તો કેટલાક નિયમિત વ્યવસાય મુકી સિઝનેબલમાં થોડું કમાઇ લેવાની આશ લઇને આવ્યા છે…!
(પ્રજ્ઞેશ વ્યાસ )
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]