‘પદ્માવત’ ફિલ્મ બતાવવી કે નહીં? ગુજરાતના મલ્ટીપ્લેક્સ માલિકો સોમવારે નિર્ણય લેશે

ગાંધીનગર – દિગ્દર્શક સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવત’ને રિલીઝ કરવાની સુપ્રીમ કોર્ટે હા પાડી દીધી હોવા છતાં ગુજરાતમાં મલ્ટીપ્લેક્સીસના માલિકો ફિલ્મને પ્રદર્શિત કરવી કે નહીં એ વિશે અવઢવમાં છે. તેઓ આવતીકાલે આ વિશેનો અંતિમ નિર્ણય લેશે.

વાઈડ એન્ગલ મલ્ટીપ્લેક્સના માલિક રાકેશ પટેલે પત્રકારોને કહ્યું કે જુદા જુદા જૂથના લોકો આઠ વખત મારો સંપર્ક કરી ગયા છે અને મેં નક્કી કર્યું છે કે હું મારા મલ્ટીપ્લેક્સમાં પદ્માવત ફિલ્મ નહીં બતાવું.

પટેલે કહ્યું કે કોઈ પણ વ્યક્તિ મુસીબતને વહોરી લેવાનું જોખમ ન ખેડે કે પોતાની પ્રોપર્ટીને નુકસાન થાય એવું ન ઈચ્છે.

પટેલે એમ છતાં કહ્યું છે કે ફિલ્મ ન બતાવવી એ મારો નિર્ણય છે, પરંતુ અન્ય મલ્ટીપ્લેક્સ માલિકોએ શું નક્કી કર્યું છે એની મને જાણકારી નથી. મને સોશિયલ મિડિયા પરથી એવું જાણવા મળ્યું છે કે રાજ્યના લગભગ તમામ મલ્ટીપ્લેક્સ માલિકોએ ફિલ્મ રજૂ ન કરવાનો જ નિર્ણય લીધો છે.

ભૂતકાળમાં પણ ગુજરાતના અનેક મલ્ટીપ્લેક્સ માલિકોએ આમિર ખાન અભિનીત ફના અને રવિન્દ્ર ધોળકિયા દિગ્દર્શિક પરઝાનિયા ફિલ્મોને એમની રિલીઝ પૂર્વે થયેલા વિવાદને કારણે દર્શાવવાનું માંડી વાળ્યું હતું.

ગુજરાતમાં 125 મલ્ટીપ્લેક્સ થિયેટરો છે. આ બધાય જેના સભ્યો છે તે ગુજરાત મલ્ટીપ્લેક્સ ઓનર્સ એસોસિએશને આવતીકાલે, સોમવારે બપોરે એક બેઠક બોલાવી છે. એમાં તેઓ પદ્માવત ફિલ્મ બતાવવા અંગેનો આખરી નિર્ણય લેશે એવી ધારણા છે.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે પદ્માવત ફિલ્મ પર ગુજરાત સહિત અમુક રાજ્યોએ મૂકેલો પ્રતિબંધ ઉઠાવી લીધો છે.

શ્રી રાજપૂત કરણી સેના સહિત રાજપૂત સમુદાયના કેટલાક જૂથોએ પદ્માવત ફિલ્મમાં રાજપૂતોના ઈતિહાસ સાથે ચેડાં કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરીને આ ફિલ્મને રિલીઝ ન કરવાની ચેતવણી આપી છે. એમનો દાવો છે કે રાજપૂત રાણી પદ્માવતીને આ ફિલ્મમાં વાંધાજનક રીતે ચિતરવામાં આવ્યાં છે.

ગુજરાતમાં હિંસાત્મક ઘટનાઓ

દરમિયાન, પદ્માવત સામેના વિરોધને લઈ ગુજરાતમાં અનેક ઠેકાણે બસો સળગાવવા જેવી ઘટનાઓ બની છે.

સુરેન્દ્રનગરમાં, એસ.ટી ડેપો તરફથી બહુચરાજી, રાધનપુર તરફ જતી એસ.ટી. બસો બંધ કરવામાં આવી હોવાનો અહેવાલ છે.

ગયા શુક્રવાર અને શનિવારે ગુજરાતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર કેટલાક ટાયર બાળવામાં આવ્યા હતા અને ટ્રાફિકને અટકાવવામાં આવ્યો હતો.

ગુજરાતના પોલીસ વડા પ્રમોદકુમારે જણાવ્યું છે કે ગાંધીનગર, મહેસાણા અને અમદાવાદ જિલ્લાઓમાં પદ્માવત ફિલ્મ સામેના વિરોધે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે.