જીટીયુની કૉલેજના પ્રોફેસરનું અમેરિકામાં એવૉર્ડથી સન્માન

અમદાવાદ– ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સાથે સંકળાયેલી ગવર્નમેન્ટ એમસીએ કૉલેજ, અમદાવાદના પ્રિન્સીપાલ ડૉ.ચેતન ભટ્ટને અમેરિકામાં ઈન્ટરનેશનલ સોસાયટી ઑફ ઓટોમેશન તરફથી શિક્ષણમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ આંતરરાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

ડૉ. ભટ્ટે વેબ-આધારિત ઈન્ટેલિજન્ટ ટ્યુટરીંગ સિસ્ટમ વિકસાવી અને ઓટોમેશન કમ્પીટન્સી મોડેલ વિકસાવીને યુનિવર્સિટીનો કોર્સ વિકસાવવામાં ભજવેલી મુખ્ય ભૂમિકાને ધ્યાનમાં રાખીને તેમને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો. (ડૉ) નવીન શેઠે ડૉ. ભટ્ટને આ એવોર્ડ હાંસલ થવા બદલ શુભેચ્છા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે ડૉ. ભટ્ટે યુનિવર્સિટીનો કોર્સ વિકસાવવામાં અને સરકારી ઈજનેરી કૉલેજમાં કરેલું પ્રદાન ખરેખર પ્રશંસનીય છે. તેની આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ તેનો અમને આનંદ છે.

ઈન્ટરનેશનલ સોસાયટી ઑફ ઓટોમેશન સંસ્થાએ એ બાબતની પણ નોંધ લીધી છે કે ડૉ. ભટ્ટે ઈન્સ્ટ્રુમેન્ટેશન કંટ્રોલ એન્જીનિયરીંગ શિક્ષણના ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ ફાળો આપ્યો છે. શૈક્ષણિક સંસ્થાઓમાં ઓટોમેશનના ક્ષેત્રે અગત્યની કામગીરી કરનાર પ્રોફેસરને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. આ સંસ્થા દુનિયાભરમાં 30 હજારથી વધારે સભ્યો ધરાવે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]