સરકારી આવાસોને ભાડે આપતા લોકો પર ગાળીયો કસાશે…જાણો વધુ વિગતો

અમદાવાદઃ સરકારી યોજનામાં ફોર્મ ભરી અને સસ્તા આવાસો મળ્યા બાદ તેને ભાડે આપી દેતા લોકો પર હવે ગાળીયો કસાશે. શહેરના દંતેશ્વર અને સયાજીપુરા ખાતેના આવાસો બાદ હવે કોર્પોરેશને શહેરમાં અન્ય સ્થળે આવેલા આવાસોમાં ચેકિંગ કર્યું હતું. આ ચેકિંગ દરમિયાન સયાજીપુરા ખાતે આવેલા અન્ય બીએસયુપી આવાસ, કપૂરાઈ, તરસાલી અને કલાલી ખાતેના આવાસોમાં ચેકિંગ કરતાં ત્યાં 47 આવાસોમાં મૂળ લાભાર્થીને બદલે ભાડુઆતો રહેતા હોવાની વિગતો મળી હતી.

મહત્વનું છે કે ઘણા એવા લોકો છે કે જે આ પ્રકારની સરકારી યોજના આવે ત્યારે ફોર્મ ભરે છે અને પોતાના કોઈ સ્નેહીજનના નામે મકાન લઈ લે છે. સસ્તા મકાનનું પઝેશન મળ્યા બાદ આ લોકો આ મકાનને ભાડે આપી છે અને આ પ્રકારે સરકારી આવાસો તેમના માટે ઈન્વેસમેન્ટ અને ભાડાની કમાણીનું એક સાધન બની છે. શહેરના દંતેશ્વર અને એ પછી સયાજીપુરા ખાતેના બીએસયુપી આવાસોમાંથી અગાઉ કોર્પાેરેશને ભાડુઆતોને પકડી પાડયા હતા અને આવાસો ખાલી કરીને તેને સીલ મારી દીધુ હતુ. એ પછી ફરી સયાજીપુરા ખાતેના આવાસોમાં આવા આવાસો સીલ માર્યા હતા.

ત્યારે હવે સમગ્ર મામલે અધિકારીઓએ આપેલી સૂચનાને પગલે ચાર ટીમોએ સપાટો બોલાવ્યો હતો.  સયાજીપુરા ખાતે આવેલી બીએસયુપીની અન્ય આવાસ યોજનાના 440 આવાસો, તરસાલી ખાતેના 464 આવાસો, કપૂરાઈ ખાતેના 490 આવાસો અને કલાલી ખાતેના 586 આવાસોમાં ચેકિંગ હાથ ધર્યુ હતુ. જેમાં કુલ 1894 આવાસોમાં ચાર ટીમોએ કરેલા ચેકિંગમાં કુલ 47 આવાસો ભાડેથી ફેરવાતા હોવાની વિગતો સામે આવી હતી.