અમૂલના નવા પ્રોજેકટો દ્વારા દૂધ ઉત્પાદકોને 1500 કરોડની વધારાની થશે આવક, PM મોદીના હસ્તે લોકાર્પણ

ગાંધીનગર- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૩૦ સપ્ટેમ્બરના રોજ અમૂલ ડેરીના મોગર સ્થિત અતિ આધુનિક ચોકલેટ પ્લાન્ટ (રેડી ટુ યુઝ થેરાપ્યુસ્ટીક ફુડ) અને ટેક હોમ રાશન પ્લાન્ટનું લોકાર્પણ કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમૂલ દ્વારા રૂા.૩૦૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલ અત્યાધુનિક ચોકલેટ પ્લાન્ટ, રૂા.૪૫૦ કરોડના ખર્ચે ગાંધીનગર ખાતે અમૂલ ફેડ ડેરીના મિલ્ક પાવડર,  ઘી અને માખણ પ્લાન્ટને ખુલ્લો મૂકશે. જયારે વિદ્યા ડેરી ખાતે રૂા.૨૦ કરોડના ખર્ચે સ્ટેટ ઓફ આર્ટ સંપૂર્ણ ઓટોમેટીક આઇસ્ક્રીમ પ્લાન્ટનું પણ લોકાર્પણ કરશે.

વડાપ્રધાનના હસ્તે અમૂલ ડેરી દ્વારા રૂા.૭૭૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલ વિવિધ ચાર પ્રકલ્પોનું લોકાર્પણ તેમજ રૂા.૩૫૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર ત્રણ પ્રકલ્પોના શિલાન્યાસ કરવામાં આવશે. આમ કુલ રૂા.૧૧૨૦ કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા ઇન્કુબેશન સેન્ટર-કમ-સેન્ટર ઓફ એકસલન્સ ઇન ફુડ પ્રોસેસીંગ ફોર પ્રમોટીંગ એન્ટરપ્રિનોયર્સ એન્ડ સ્ટાર્ટ અપનું ઉદઘાટન કરશે.

અમૂલ ડેરીના આ નવા પ્રોજેકટો દ્વારા રાજ્યના દૂધ ઉત્પાદકોને રૂા.૧૫૦૦ કરોડની વધારાની આવક થશે. આણંદ સ્થિત અમુલ ડેરીનો મોગર ગામ પાસે બાલ અમુલના નામે ચોકલેટ પ્લાન્ટ છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત હતો, પરંતુ વૈશ્વિક સ્તરે અમુલની વિવિધ પ્રકારની ચોકલેટની માંગ વધતા અમુલ ડેરી દ્વારા મોગર ચોકલેટ પ્લાનને રીનોવેશન કરી અત્યાધુનિક બનાવવામાં આવ્યો છે.

અમુલ ડેરીના મોગર પાસે આવેલ ચોકલેટ પ્લાન્ટ જે ફૂડ કોમ્પ્લેક્ષ તરીકે ઓળખાય છે તેના રીનોવેશન ની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે અને નવા બનાવવામાં આવેલ ચોકલેટ પ્લાન્ટનું ટેસ્ટિંગ પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે