રાષ્ટ્રપતિ ડિસેમ્બરમાં બે વખત આવશે ગુજરાત, કેવડિયા ખાતે રેલવે સ્ટેશનનું કરશે ખાતમુહૂર્ત

ગાંધીનગર-  ડિસેમ્બરમાં વિશિષ્ટ મહાનુભાવોની ગુજરાત મુલાકાત નક્કી થઈ છે, જેમાં દેશના પ્રથમ નાગરિક એવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ડિસેમ્બરમાં જ બે વખત ગુજરાતની મુલાકાતે આવવાના છે. તેઓ 15 ડિસેમ્બરે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવશે, બાદમાં તેઓ 29-30 ડિસેમ્બરે ધોરડો ખાતે રણોત્સવ માણવા તેમજ સાસણગીરમાં સિંહો જોવા પણ જશે. જેને લઈને સુરક્ષાથી લઈને તમામ બાબતે તંત્ર દ્વારા તૈયારી આરંભી દીધી છે.નર્મદા જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કેવડિયા ખાતે આવી રહ્યા છે. તો તેઓ પ્રથમ વોલ ઓફ યૂનિટી ખાતે યોજાનાર પ્રાર્થના સભામાં હાજરી આપશે બાદ તેઓ સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની મુલાકાતે રવાના થશે. સ્ટેચ્યૂ ઓફ યૂનિટી બનતાની સાથે જ ગુજરાત નહિ પણ દેશ-વિદેશના પ્રવાસીઓની સાથે સાથે ઉચ્ચ કક્ષાના મહાનુભવો પણ ત્યાં આવી રહ્યા છે. ભારત દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વોલ ઓફ યૂનિટી ખાતે યોજાનાર પ્રાર્થના સભા અને સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની મુલાકાત બાદ કેવડિયા ખાતે બનવા જઈ રહેલા રેલવે સ્ટેશનનું ખાતમુહૂર્ત પણ કરશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, સ્ટેચ્યૂ ઓફ યૂનિટી જોવા દૂર-દૂરથી પ્રવાસીઓ આવી રહ્યા છે ત્યારે રેલવે કનેક્ટિવિટી પણ મળી રહે એ માટે ચાણોદ થી કેવડિયા બ્રોડગેજ લાઇન નવી શરૂ થઈ રહી છે.

વડાપ્રધાન મોદીનો પણ ગુજરાત પ્રવાસ નક્કી થઈ ચૂક્યો છે. તેઓ 22મી સવારના સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ટેન્ટસિટી ખાતે અખિલ ભારતીય ડીજી કોન્ફરન્સના સમાપનમાં હાજરી આપશે. અને ત્યાર બાદ તેઓ અડાલજ ત્રિમંદિર નજીક યોજાનારા ભાજપના રાષ્ટ્રીય મહિલા સંમેલનમાં ભાગ લેશે. તેઓ 21મીએ રાતવાસો કરવા આવશે કે કેમ તે હજી નક્કી થયું નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]