રાષ્ટ્રપતિ કોવિંદ 29-30મી કચ્છ અને સાસણગીરના મહેમાન

ગાંધીનગર- ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રથમવાર કચ્છમાં રણઉત્સવની મુલાકાત લઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ સાથે મુલાકાત દરમિયાન રાજ્યના પ્રવાસનપ્રધાન ગણપતસિંહ વસાવા પણ જોડાશે. રાષ્ટ્રપતિના સત્તાવાર કાર્યક્રમ અનુસાર તેઓ ધોરડો હેલીપેડથી ટેન્ટ સિટી જશે. ત્યારબાદ તેઓ સફેદરણમાં સનસેટ પોઇન્ટની મુલાકાત લઇ કચ્છના રણમાં સૂર્યાસ્તનો અદ્ભુત નજારો માણ્યા બાદ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળશે. ત્યારબાદ તેઓ રાત્રિ રોકાણ ટેન્ટ સિટીમાં જ  કરશે. તારીખ ૩૦મીને સવારે બીજા દિવસે સફેદરણમાં વહેલી સવારે સૂર્યોદયનો અનુભવ કરશે. ત્યાર બાદ રાષ્ટ્રપતિ ધોરડોથી નીકળી સાસણગીર જવા રવાના થશે.ફાઈલ તસવીર

ગુજરાતના પ્રવાસને વિકસાવવા માટે તત્કાલિન મુખ્યપ્રધાન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અનેક નવીન તકો પૂરી પાડવામાં આવી હતી. આજે પણ  ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના કુશળ નેતૃત્વ હેઠળ ગુજરાતનું પ્રવાસન દિન-પ્રતિદિન નવી ઊંચાઈઓ સર કરી રહ્યું  છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, કચ્છના રણમાં ધોરડો ગામમાં દર વર્ષે રણ-ઉત્સવ યોજાય છે. જ્યાં સફેદરણની નજીક પ્રવાસીઓને રહેવા માટે સુંદર તંબુઓનું શહેર – ટેન્ટ સીટી ઊભી કરવામાં આવે છે. તે ખરેખર સસ્ટેનેબલ ટુરિઝમનું એક ઉત્તમ ઉદાહરણ છે. કચ્છ રણોત્સવ એ પ્રાકૃતિક અને માનવસર્જિત પ્રવાસન સ્થળ બંનેનો સમન્વય છે.

વર્ષ ૨૦૧૭-૧૮ માં રાજ્યમાં આવનારા પ્રવાસીઓની સંખ્યા ૫ કરોડને વટાવી ચુકી છે. તેમજ રણઉત્સવમાં લગભગ ૫ લાખ જેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી, જેમાંથી 75,000 જેટલા પર્યટકોએ ટેન્ટ સિટીમાં રાત્રિ રોકાણ કર્યું હતું. જેના થકી રાજયમાં પ્રવાસનને વેગ મળ્યો છે અને પ્રવાસન અને આતિથ્ય ક્ષેત્રે રોજગારીની વિભિન્ન તકો ઉત્પન્ન થઈ છે.

ધોરડોની આસપાસ લગભગ 787 જેટલા તંબુઓ, ભુંગાઓ અને અન્ય આવાસોનો સમાવેશ થાય છે. રણ ઉત્સવથી સ્થાનિક કારીગરોમાં  રોજગારી વધે છે અને રણોત્સવ – સ્થાનિક કારીગરો અને મુલાકાતીઓ વચ્ચે આદાન – પ્રદાન કરવાનું અને એક – બીજા પાસેથી શીખવાનું મંચ પૂરું પડે છે.  રણ ઉત્સવ પ્રવાસીઓને આશ્રય લઈને સ્થાનિક સંસ્કૃતિ અને કલાને પ્રોત્સાહિત કરે છે.

આ ઉપરાંત ફૂડ માર્કેટ, ક્રાફ્ટ માર્કેટ, મીની સિનેમા, ગેમિંગ ઝોન, કીડ્ઝ રાઇડ્સ, એડવેન્ચર ઝોન, લાઈબ્રેરી, યોગા, કેમલ કાર્ટ, તથા રણ સફારી માટે અનેક પ્રવૃત્તિઓ પ્રવાસીઓ માટે ઉભી કરવામાં આવી છે.ધોરડો ખાતે આ ટેન્ટ સીટીમાં સુરક્ષાનો પણ પુરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે, રાજ્યનું પોલીસ તંત્ર, ખાનગી સિક્યોરીટી અને ક્લોઝ સર્કીટ કેમેરા દ્વારા આ ટેન્ટસીટીને સંપૂર્ણ સુરક્ષિત બનાવવામાં આવ્યું છે, 24 કલાક ડોક્ટર સાથેની મીની હોસ્પિટલ ઉપરાંત સીનીયર સિટીઝન્સ માટે ગોલ્ફ કારની વ્યવસ્થા પણ અહી કરવામાં આવી છે.

પ્રવાસીઓ માટે તૈયાર કરેલ અન્ય સુવિધાઓમાં ઈલેક્ટ્રોનિક ફીડ બેક સિસ્ટમ, સફેદ રણ ખાતે એલઇડી લાઈટથી સુશોભન, યાત્રીઓ માટે બેઠક વ્યવસ્થા, યાત્રીઓની અવર – જવર માટે BSF ચેક પોસ્ટથી વોચ ટાવર સુધી નિશુલ્ક બસ અને ઊંટગાડીની વ્યવસ્થા વગેરેનો સમાવેશ થાય છે.

આ રણ ઉત્સવને કારણે પ્રવાસીઓ દ્વારા કરાતા ખર્ચથી અનેક સ્થાનિક લોકોના ધંધા રોજગારને વેગ મળ્યો છે, જેથી આવકમાં વધારો થયો છે. સ્થાનિક લોકોમાં એજ્યુકેશન અને  હેલ્થને લઈને સજાગતા પ્રસરી છે. વધુમાં આ વિસ્તારની માળખાકીય સુવિધાઓ જેવી કે રોડ, રસ્તા, વીજળી, પાણી, વગેરેનો  નોંધનીય વિકાસ થયો છે. જે બહુ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે  દર વર્ષે યોજાતા રણઉત્સવ થકી  સ્થાનિક પરિવારોના જીવનધોરણો ઊંચા આવ્યા છે.