ત્રણ ભાષામાં નરેન્દ્ર મોદી વિશેના 20 પુસ્તકોનો રેકોર્ડ કરતાં ગુજરાતી લેખકની જાણો વાત…

નવી દિલ્હીઃ આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીનો જન્મ દિવસ છે. ત્યારે આવો એક એવા લેખકનો પરિચય મેળવીએ કે જેમણે ત્રણ ભાષામાં મોદી વિષયક 20 અલગ અલગ પુસ્તકો લખ્યા છે અને આ પુસ્તકોએ અનોખો રેકોર્ડ સર્જ્યો છે.

વાત છે ગુજરાતના જાણીતા સાહિત્યકાર દિનેશભાઈ દેસાઈની કે જેમણે મોદી વિષયક ત્રણ અલગ અલગ ભાષામાં 20 જેટલા પુસ્તકો લખ્યા છે. જેમાં ગુજરાતી ભાષામાં 15 પુસ્તકો, હિન્દી ભાષામાં 2 પુસ્તકો અને અંગ્રેજી ભાષામાં 3 પુસ્તકો મળીને દિનેશભાઈએ કુલ 20 પુસ્તકોનું સર્જન કર્યું છે જે વર્ષ 2011 થી 2016 સુધીમાં પ્રગટ થયા છે.

દેશ-વિદેશના જાણીતા પત્રકાર-લેખકોએ નરેન્દ્ર મોદી વિશે અંગ્રેજીમાં એક-એક પુસ્તક લખ્યું છે, જેના અનુવાદ પણ પ્રગટ થયા છે, પરંતુ લેખક દિનેશ દેસાઈએ નરેન્દ્ર મોદી વિષયક ત્રણ ભાષામાં જુદી જુદી થીમ-બેઝ કુલ વીસ પુસ્તકો તૈયાર કર્યા છે, એ એક આગવો અને અનોખો વિક્રમ છે.

20 પુસ્તકોમાં જુદી જુદી થીમ હાઈલાઈટ કરવામાં આવી છે. જેમાં વડાપ્રધાનની જીવનકથાના પ્રસંગો, ગુજરાત રાજ્ય એક બ્રાન્ડ તરીકે, ગુજરાત મૉડલ વિશે, કિશોર-તરુણો એટલે કે ટીનેજર્સ્ માટે નરેન્દ્ર મોદીના વિચારો, નરેન્દ્ર મોદીના બિનરાજકીય સુવાક્યો, નરેન્દ્ર મોદીની રાજકીય બાબતો તથા વિચારધારા વિશેના પુસ્તકોનો સમાવેશ થાય છે.

દેશ-વિદેશમાં મળીને જુદા જુદા લેખકોએ વડાપ્રધાન વિશે અનેક પુસ્તકો લખ્યાં છે. પરંતુ અહીંયા મહત્વપૂર્ણ વાત એ છે કે લેખક દિનેશ દેસાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિષયક ત્રણ ભાષામાં 20 જેટલા પુસ્તકોનું સર્જન કર્યું છે. આમ તો તેમના કુલ પુસ્તકોની સંખ્યા 62 જેટલી છે.

ઉલ્લેખનીય છે કે દેશ-વિદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ચર્ચામાં રહ્યા છે, ત્યારે તેમના વિશે જાણવામાં પણ દુનિયાભરના લોકોની ઉસ્તુકતા વધતી જ રહી છે.

વડાપ્રધાન મોદી વિષયક જુદા જુદા મહાનુભાવોના કથન અંગેના સંપાદનનું દિનેશ દેસાઈ કૃત પુસ્તક “અમારી નજરે નરેન્દ્રભાઈ” પુસ્તક સમગ્ર દેશમાં નરેન્દ્ર મોદી વિશેના પુસ્તકોમાં સૌથી વધુ કિંમતનું પુસ્તક બન્યું છે. જેની કિંમત રૂપિયા 2,900 છે. સને 2011માં દિનેશ દેસાઈનું નરેન્દ્ર મોદી વિષયક પ્રથમ પુસ્તક “આપણા સૌના નરેન્દ્રભાઈ” પ્રગટ થયું. જેનો તેઓએ હિન્દી અનુવાદ કર્યો તે “હમારે નરેન્દ્રભાઈ” નામે પ્રગટ થયો. એ પછી આ જ પુસ્તક અંગ્રેજીમાં લેખકશ્રી દિનેશ દેસાઈએ “અવર બિલવ્ડ નરેન્દ્રભાઈ” શીર્ષકથી પ્રગટ થયું અને ભારે લોકઆવકાર પામ્યું. આ પૈકી હિન્દી પુસ્તકને “હિન્દી સાહિત્ય અકાદમી” (ગુજરાત)ના અકાદમી પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યું.

વડપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ગુજરાતીમાં “આપણા સૌના નરેન્દ્રભાઈ”, “આપણા નરેન્દ્રભાઈ”, “વિકાસપુરુષ નરેન્દ્રભાઈ”, “ગ્રેટ ગુજરાત, ગ્લૉબલ ગુજરાત”, “નરેન્દ્ર મોદીનો વિચારવૈભવ”, “માનવતાનો મંત્ર”, “બ્રાન્ડ ગુજરાત”, “ભવ્ય ગુજરાત, ભવ્ય ભારત”, “ગાંધીમાર્ગે ગુજરાત”, “આ છે નરેન્દ્ર મોદી”, “નરેન્દ્ર મોદીઃ ભારત ભાગ્ય વિધાતા”, “અમારી નજરે નરેન્દ્રભાઈ”, “નરેન્દ્ર મોદી અને યંગિસ્તાન”, “મોદી મૉડલઃ ગુજરાત”, “સુરક્ષા વ્યવસ્થાપન” વગેરે સહિતના 15 જેટલા પુસ્તકો લખાયા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]