ડો. પ્રવીણ તોગડિયાના આમરણાંત ઉપવાસ શરૂ

અમદાવાદઃ વિશ્વ હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે છેડો ફાડીને વિશ્વ હિંદુ પરિષદના પૂર્વ આંતરરાષ્ટ્રીય મહામંત્રી ડો. પ્રવીણ તોગડિયા આજથી આમરણાંત ઉપવાસ પર બેઠા છે. ૧૭મી એપ્રિલથી અમદાવાદમાં સાબરમતી ગાંધીઆશ્રમ સામે આમરણાંત ઉપવાસ ઉપર બેસીશ એવું ખુદ તેમણે જાહેર કર્યું હતું, પરંતુ હવે ઉપવાસનું સ્થળ બદલીને પાલડીમાં વિશ્વ હિંદુ પરિષદની કચેરી સામે રખાયું હોવાનું તેમણે જણાવ્યું હતું.

તોગડિયાના ઉપવાસ સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ડૉ. પ્રવીણ તોગડિયા ઉપવાસ કરવા મક્કમ છે. જેમાં વિહીપના અનેક હોદ્દેદારો ઉપવાસ આંદોલનમાં જોડાશે. VHPમાંથી હકાલપટ્ટી બાદ પ્રવીણ તોગડિયાએ ઉપવાસ આંદોલનની જાહેરાત કરી હતી. જેના માટે બત્રીસી ભવન અને જીએમડીસી ગ્રાઉન્ડની પરમિશન મળી ન હતી. તેથી હવે પાલડી વણીકર ભવન ખાતે તેઓ ઉપવાસ પર બેઠા છે. તોગડિયાએ અનિશ્ચિત સમય માટે ઉપવાસની જાહેરાત કરી છે. જેમાં તેમને કેટલાક સાધુ સંતોનું પણ સમર્થન મળ્યું છે. તોગડિયા સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકો પણ જોડાશે.

ડો. પ્રવીણ તોગડિયાની મુખ્ય માંગણીઓ છે કે, અયોધ્યામાં રામમંદિર બાંધવા બાબતમાં, કોમન સિવિલ કોડ લાવવા બાબતમાં તથા ગૌરક્ષા બાબતમાં સંસદમાં નવા કાયદા પસાર કરવાના ભાજપે આપેલા વચનોનું તાત્કાલીક પાલન કરવામાં આવે, તદુપરાંત દર વર્ષે ૨ કરોડ લોકોને રોજગારી આપવાના, બાંગ્લાદેશીઓને ખદેડવાના તથા મૂળ કાશ્મીરી પંડિતોને કાશ્મીરમાં પુનઃ વસાવવાના ભાજપે આપેલા વાયદાઓનો પણ અમલ કરવામાં આવે. ડો. તોગડિયાના કહેવા પ્રમાણે તેઓએ આ બધા મુદ્દાઓ અંગે વડા પ્રધાન મોદીને પત્ર લખી રૂબરૂ ચર્ચા કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ આ બધા વચનો પાળવાની બાબતમાં કોઈ દરકાર નહીં લેવાતાં તેઓ આમરણ ઉપવાસ શરૂ કરવા મજબૂર થયા છે.

(તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]