પ્રદીપસિંહ જાડેજાએ અંબાજી મંદિર પ્રક્ષાલનવિધિમાં ભાગ લીધો, પરિસર શુદ્ધ કરવાનું છે ખાસ કારણ

અંબાજી- રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા આજે પરિવાર સાથે યાત્રાધામ અંબાજીની મુલાકાતે પહોંચ્યાં હતાં. જ્યાં અંબાજી મંદિરમાં ચાલી રહેલી પ્રક્ષાલન વિધિમાં ભાગ લીધો હતો, અને મંદિરના ગર્ભગૃહમાં ભટજી મહારાજના આશીર્વાદ લીધા હતાં. અને ત્યાર બાદ માતાજીની ગાદી ઉપર પૂજારી પાસે રક્ષા પોટલી બંધાવી હતી, જ્યાં જિલ્લા કલેકટરે ગાદી ઉપર પ્રદીપસિંહ જાડેજાને શ્રીમદ્ ભાગવતનું પુસ્તક ભેટ અર્પણ કર્યું હતું.

ગૃહપ્રધાને અંબાજી મંદિરના સુવર્ણ શિખરની કામગીરીની સમીક્ષા કરી હતી, અને જણાવ્યું હતું કે મંદિરનું સુવર્ણ શિખરનું સપનું પૂરું થયું છે. યાત્રાધામ અંબાજી ખાતે ભરાયેલાં ભાદરવી પૂનમના મેળાં બાદ આજે અંબાજી મંદિરની 1.30 કલાકે શરૂ થયેલી પ્રક્ષાલનવિધિ પૂર્ણ કરવામાં આવી હતી. અંબાજી મંદિરમાં આ પ્રક્ષાલનવીધી ખાસ કરીને અમદાવાદનાં એક સોની પરીવાર દ્વારા કરવામાં આવી હતી. જે છેલ્લા ઘણાં વર્ષોથી આ વિધિ સાથે સંકળાયેલાં છે.

આ વિધિમાં અંબાજી મંદિર પરિસરને પાણીથી ધોવામાં આવે છે. અને માતાજીના શણગારના સોંનાચાંદીના દાગીનાઓને મંદિરનાં પવિત્રજળથી ધોવામાં આવે છે. એટલું જ નહીં આ દાગીનાની સાફસફાઇ વક્તે ધસારાના બદલે પાંચ ગ્રામ સોનનું તક્તુ માતાજીને થાળમાં અર્પણ કરવામાં આવે છે. જે હાર પૂતળીના હારના નામે માતાજીને પહેરાવવામાં આવે છે.

માનવામાં આવે છે કે ભાદરવી પૂનમના મેળા દરમિયાન લાખો પદયાત્રીઓ આવતાં હોય છે, આ યાત્રિકોની રસ્તામાં કોઇ પવિત્રતા ન જળવાઇ હોય અને સીધા મંદિરમાં દર્શને પહોંચી ગયા હોય તેવી બાબતોને ધ્યાનમાં રાખી આ મંદિરની પવિત્રતા જાળવવા ખાસ પ્રક્ષાલન વિધિ કરવામાં આવે છે. આજે યોજાયેલી આ પ્રક્ષાલનવિધિમાં જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે અને પાટણ જિલ્લા પોલીસવડા શોભા ભૂતડા સહિત અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.