પોરબંદરના માધવપુર ઘેડમાં 25 માર્ચથી 5 દિવસના ફેસ્ટીવલનું આયોજન

પોરબંદર– પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે રાજય સરકારનાં પ્રવાસન વિભાગ અને યુવા રમત-ગમત તથા સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગનાં ઉપક્રમે આગામી તા.૨૫ માર્ચથી ૨૯ માર્ચ સુધી પાંચ દિવસના ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવેલ છે. આ માટે વહીવટી તંત્ર દ્વારા ઉજવણી માટે પૂર્વ તૈયારી કરવા માટે રાજયકક્ષા અને જિલ્લાકક્ષાની કમીટિઓની રચના કરવામાં આવી છે. ભગવાન શ્રીકૃષ્ણ અને મહાભારતના પૈારાણિક સમય સાથે સંકળાયેલા અહીંના તીર્થસ્થાનમાં પરંપરાથી ભગવાન શ્રી કૃષ્ણ-ઋક્ષ્મણીનો વિવાહ પ્રસંગ ઉજવાય છે અને તેની સાથે માધવપુરનો ધાર્મિક લોકમેળો દરવર્ષે ચૈત્ર સુદ નોમથી ચૈત્ર સુદ તેરસ સુધી ઉજવાય છે. એટલે કે આ વર્ષે તા.૨૫ માર્ચથી તા. ૨૯ માર્ચ સુધી શ્રીકૃષ્ણ-ઋક્ષ્મણીનો લગ્નનો ધર્મોત્સવ અને માધવપુરનો ધાર્મિક લોકમેળો યોજાશે. આ ધાર્મિક મહોત્સવ તથા માધવપુર લોકમેળાના કાર્યક્રમ પ્રસંગે ૨૭ માર્ચના રોજ ગુજરાતનાં મુખ્‍યપ્રધાન વિજય રૂપાણી તથા પૂર્વોત્તર રાજયોના મુખ્યપ્રધાનો અને રાજયપાલો પધારનાર છે. આ અંગેનાં પ્રવાસ કાર્યક્રમો ઘડાઇ રહયા છે.

માધવપુર ઘેડ ખાતેના પાંચ દિવસના ફેસ્ટીવલમાં ૪૫૦થી વધુ લોકકલાના કલાકારો અને ૫૦થી વધુ શાસ્ત્રીય સંગીત તથા નૃત્યના કલાકારો ભાગ લેશે. આ કલાકારો ૨૫થી ૨૯ માર્ચ પોરબંદર ખાતે રોકાણ કરશે. ૨૪ માર્ચના રોજ માધવપુર ખાતે મુખ્ય સ્ટેજ ઉપર ગ્રાન્ડ રીહર્સલ યોજવામાં આવશે. ૨૫ થી ૨૮ માર્ચ દરમિયાન મુખ્ય સ્ટેજ ઉપર ભારત સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો સાંજના યોજવામાં આવશે. તેમજ મેળાની સાઇટ ઉપર પાંચ અને સમુદ્ર બીચ ઉપર ત્રણ સબ સ્ટેજ  બનાવવામાં આવશે. જે સ્ટેજ પર દરરોજ  સાંજના કલાકારો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે. આ ઉપરાંત માધવપુર મેળાની સાઇટ ઉપર કેન્દ્ર/રાજય સરકારની વિવિધ કચેરી દ્વારા તેમના હસ્તકની કામગીરીના પ્રચાર-પ્રસાર માટે પ્રદર્શન સ્ટોલ્સ ઉભા કરવામાં આવશે.