પોરબંદરઃ ધાર્મિકસ્થળ પર સરકારી સેન્ટર બાંધકામના વિરોધમાં તોડફોડ મચી

પોરબંદર– વિકાસના કાર્યો કરવાના હોય પણ તેમાં જનતાની સહમતિ મેળવવા માટેના પૂર્વપ્રયાસો કર્યાં વિના કામ શરુ કરાય તો પોરબંદરમાં સર્જાઈ તેવી સ્થિતિ સામે આવતી હોય છે. પોરબંદરના એક ગામમાં સાયક્લોન સેન્ટર બનાવવાનો ગામલોકો દ્વારા ઊગ્ર વિરોધ હતો છતાં સાયક્લોન સેન્ટર બનાવવાનું કામ શરુ કરાતાં અધિકારીઓએ જનતાના રોષનો ભોગ બનવું પડ્યું છે.લોકોની ધાર્મિક આસ્થાના સ્થળ પર આ બાંધકામ થઇ રહ્યું હોવાથી તોડફોડ મચી હતી.અહેવાલ પ્રમાણે ધાર્મિક સ્થળ ઉપર આ સાયક્લોન સેન્ટર બનાવાતું હોવાના કારણે ગ્રામજનોમાં વિરોધની લાગણી ઊભી થઈ હતી. અને લાંબા સમયથી આ સેન્ટર અહીં ન બનાવવા જણાવવામાં આવતું હતું. જોકે અધિકારીઓએ ગામલોકોની વાત સામે આંખ આડા કાન કર્યાં હતાં અને બાંધકામ માટે સરકારી મશીનરી કામે લગાડી હતી. જેની જાણ તતાં લોકરોષ ભભૂકી ઉઠ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો સ્થળ પર આવી ચડ્યાં હતાં.ઉશ્કેરાયેલાં ગામલોકોએ કોન્ટ્રાક્ટરના વાહનોમાં તોડફોડ કરી હતી અને એક ગાડીની આગચંપી પણ થઇ હતી. ઘટનાની જાણ થતાં જ પોલિસ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. શનિવારે કોન્ટ્રાક્ટરે પોતાના સાધનો અને ટીમ લઇને આ સેન્ટર માટે કામ ચાલુ કર્યું  હતું. લાંબા સમયથી સરકાર સામે આ સાઇક્લોન સેન્ટર ધાર્મિક જગ્યાના બદલે બીજી જગ્યાએ બનાવવામાં આવે એવી માગ કરી રહ્યાં હતાં પરંતુ સરકારે પોતાનો નિર્ણય યથાવત રાખ્યો હતો અને સેન્ટર બનાવવાની કામગીરી શરુ કરી હતી. જેના કારણે ગ્રામજનોમાં ઉગ્ર વિરોધ ઉભો થયો હતો. ઉશ્કેરાયેલા ગ્રામજનોએ સરકારી વાહનોની તોડફોડ કરી હતી. અને એક કારને આગ ચાંપી દીધી હતી. લોકોનો વિરોધ જોઇને કોન્ટ્રાક્ટર અને અન્ય સરકારી અધિકારીઓને સ્થળ છોડી દેવાની ફરજ પાડી હતી. બાદમાં પોલિસે સ્થિતિ કાબૂમાં લીધી હતી.