અમદાવાદઃ જરાક આ વિસ્તારોમાં ય પ્રદૂષણની ચિંતા કરજો….

અમદાવાદઃ શહેરમાંથી પસાર થતી સાબરમતી નદીએ શહેરના બે ભાગ પાડ્યા છે. પૂર્વ અને પશ્ચિમ.પૂર્વમાં જૂનો શહેરનો વિસ્તાર અને રખિયાલ, ઓઢવ, ચંડોળા, નરોડા, વટવા જેવા અનેક ઔદ્યોગિક વિસ્તાર પણ ખરા. છેલ્લા કેટલાક વર્ષોમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ઘણો બધો વિકાસ થયો. આર.ટી.ઓ થી એપીએમસી 132 ફૂટ રિંગ રોડ, શહેરને ફરતે 200 ફૂટ રિંગ રોડ બન્યા. નવી ડિઝાઇન સાથે રિવરફ્રન્ટ, કાંકરિયા, નવા માર્ગો, ઓવર બ્રિજ, અન્ડર બ્રિજની નિરંતર ચાલતી પ્રક્રિયાથી  વિકાસ-વિકાસ જ દેખાય. પણ આ જ અમદાવાદનો જેને એક કમાઉ દિકરો કહી શકાય અને જે સૌથી વધારે રોજગારી ઉત્પન્ન કરે છે  એવા ઔદ્યોગિક વિસ્તારો નર્કાગાર સ્થિતિમાં છે. અબજો રુપિયાના માલ-સામાનનું ઉત્પાદન કરતાં, માલ સામાનનું ગોડાઉન ધરાવતા અને હજારો શ્રમિકોને રોજગારી આપાતા ઔદ્યોગિક વિસ્તારો ગંદકી, કચરાથી ભરેલા અને માર્ગ વિહોણા છે.

શહેરના એકદમ સુવિકસિત વાસણા-પાલડી વિસ્તાર બાદ સાબરમતી નદીના બ્રિજને ક્રોસ કરતાની સાથે જ બહેરામપુરા-દાણીલીમડા વિસ્તાર આવે છે. નાના મોટા શેડ, ફેક્ટરીઓ તેમજ ગોડાઉન અને એમાંય રહેણાંક ધરાવતો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં જ આવે છે. આ વિસ્તાર બી.આર.ટી.એસ ના મુખ્ય માર્ગથી થોડા અંતર જ દુર છે. પણ, ખૂબજ કલર વાળા ગંદા પાણી, કાદવ , કચરાના ઢગ અને બિમારી ફેલાવથા વાયુ પ્રદુષણથી ઘેરાયેલો છે. અહીં જે તસવીરો પ્રસ્તુત છે એ સિકંદર માર્કેટની છે જ્યાં બહેરામપુરા જલઘરના નામે વોટર સ્ટેશન પણ આવેલું છે. 

આ તમામ વિસ્તાર વિકાસથી વંચિત છે. સિકંદર માર્કેટ તેમજ ઔદ્યોગિક વિસ્તારમાં જ વેપાર-ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો જેમણે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતાં કહ્યું કે આખા વર્ષનો ટેક્સ અહીંથી વસુલવામાં આવે છે. પરંતુ  નળ,  ગટર અને રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ અરજી, મિટીંગો કરવા છતાંય મળતી નથી. એક તરફ અ.મ્યુ.કો અને બીજી તરફ જીપીસીબીના આંખ આડા કાન હોવાના કારણે આ વિસ્તારનો વિકાસ અટકી રહ્યો છે. મોટા પ્રમાણમાં લોકો રોગચાળાનો ભોગ બની રહી છે. વેપારીઓ અને ઉત્પાદકોના કહેવા મુજબ ટેક્સ આપતા, લોકોને રોજગારી પુરી પાડતા વિસ્તારોની જ આવી ઉપેક્ષા કેમ થઇ રહી છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)