એક એવું મતદાન મથક જયાં બપોર સુધીમાં થાય છે 100 ટકા મતદાન !!

ગીરઃ એક મતનું મૂલ્ય કેટલું ? જબાવ મળે – અમૂલ્ય, આ માટે જ ચૂંટણી પંચ બાણેજ ગામના એક મતદારના મત પાછળ આશરે ૮થી ૧૦ હજાર રૂપિયા ખર્ચે છે. કોઈ કહેશે કે એક મતદાર હોવાથી એને વાહન દ્વારા નજીકના મતદાન મથકે લાવી આ ખર્ચ બચાવી શકાય. પરંતુ લોકશાહી દેશમાં લોકશાહીના જતન માટે સેંકડો રૂપિયા એક મત પાછળ ખર્ચી ચૂંટણી પંચ આ મતદાન મથક થકી લોકોને એના ઘર પાસે રહેલા મતદાન મથકમાં મતદાન કરવા જવા માટે સમજાવે છે કે એક મતનું મહત્વ કેટલું જરુરી છે. આ એવું મતદાન મથક છે જયાં બપોર સુધીમાં 100 ટકા મતદાન થઇ જાય છે. કારણ કે એક મતદાર હોવાથી એ બપોર સુધીમાં મતદાન કરી દેતા મતદાનની ટકાવારી 100 ટકા થઇ જાય છે. આવો તો આજે અમે આપને રૂબરૂ કરાવીએ દેશ ના એક અનોખા મતદાન મથક અને બુથ નાં એક માત્ર મતદાતા સાથે.

જેમ ગુજરાતનાં ગાઢ જંગલ ગીરનાં સિંહો વિશ્વ ભરમાં પ્રખ્યાત છે તેવી જ રીતે મઘ્ય ગીર જંગલમાં રેહતા એક મહંત પણ દેશ દુનિયામાં પોતાના મતાધિકારને લઇ જાણીતા બન્યા છે. ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં આવતા આ બાણેજ ગામને જૂનાગઢ લોકસભા બેઠકનું ઊના વિધાનસભા મતક્ષેત્ર લાગુ પડે છે. ઘનઘોર જંગલ અને રાની પશુઓથી ઘેરાયેલું આ ગામ માનવવસતીથી ૨૦ કિલોમીટર દૂર આવેલું છે. બાણેજ પહોંચવા માટે પાકી સડક નથી કે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન ઉપલબ્ધ નથી. કેમ કે આ આખા જંગલમાં એક માત્ર 61 વર્ષીય બાબા ભરતદાસ ગોસ્વામી રહે છે. આ અલગારી બાબા જંગલમાં આવેલા વર્ષો પુરાણા શિવજી મંદિરમાં પૂજારી તરીકે ૩૭ વર્ષથી સેવા કરે છે. દૂરના ગામોના રહીશો આ મંદિરમાં સવાર-સાંજ દર્શન કરવા આવે તો આવે, બાકીના સમયમાં આ બાબા સિવાય કોઈ માણસ ના ફરકે.

વર્ષ ૨૦૦૭થી ગુજરાત વિધાનસભા ચૂંટણી હોય કે લોકસભાની, ચૂંટણી પંચ બાણેજમાં વનવિભાગની નાનકડી કચેરી ખાતે બાબાના એક માત્ર મત માટે એક પ્રિસાઇડિંગ ઓફિસર, ૨ પોલિંગ ઓફિસર્સ, એક પટાવાળા સહિત પોલીસ જવાનો લાવી મતદાન વ્યવસ્થા ગોઠવે છે. બાબા એમને અનુકૂળ સમયે બપોર સુધીમાં મતદાન કરી દે, પણ ચૂંટણી પંચના નિયમ મુજબ તંત્ર તો ત્યારે મથક સમેટે જ્યારે મતદાનનો સમય પૂરો થાય.

લોકશાહી નાં સૈાથી મોટા દેશ ભારત દેશ માં એક મત માટે ચુટણી પંચ ગાઢ જંગલ એવા મઘ્ય ગીર માં એક મતદાર માટે આખે આખું મતદાન મથક ઉભું કરી લોકશાહીનું ઉમદા ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. ત્યારે મહંત લોકોને સંદેશો આપી રહ્યા છે કે મતદાન સર્વોચ દાન છે અને તે કરવું એ આપનો અધિકાર અને ફરજ છે જેથી દરેક લોકોએ અચૂક મતદાન કરવું જોઈએ.

જીતેન્દ્ર રાદડિયા (રાજકોટ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]