અમદાવાદમાં અટવાયેલા યુપીના યુવકનો પોલીસે કરાવ્યો પરિવાર સાથે મિલાપ

અમદાવાદઃ ભારતના અનેક નાના મોટા ગામડાં, તાલુકા અને શહેરમાંથી હજારો લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ રેલવે, બસ કે અન્ય સાધનો દ્વારા મુસાફરી કરતા હોય છે. આ મુસાફરોમાં કેટલાય બાળકો, મહિલાઓ , વૃદ્ધ અને માનસિક- શારિરીક અશક્ત લોકો સામાજિક કલેશના કારણે પોતાનું ઘર ત્યજી દેતા હોય છે, વિખૂટા પણ પડી જતાં હોય છે. ઉત્તરપ્રદેશના આઝમગઢના લાલગંજના ટિકરગઢ ગામનો રુપેશ ગાજેરામ થોડો માનસિક બિમાર તો ખરો જ અને કૌટુંબિક કલેશના કારણે ઘર છોડી નીકળી ગયો.

આઝમગઢ, ઉત્તર પ્રદેશથી આવેશમાં પરિવારને છોડી રેલવે દ્વારા રુપેશ નીકળી તો ગયો. પરંતુ એને એ ખબર નહોતી કે માર્ગમાં કેટલી યાતનાઓ વેઠવી પડશે. આઝમગઢથી અમદાવાદ ઉતર્યા બાદ કેટલાક છોકરાઓ રુપેશને રંજાડતા હતા, પરેશાન કરતાં હતાં. ગભરાયેલો માનસિક બિમાર, પરિવારને ત્યજીને આવેલો, ભૂખ્યો રુપેશ એલિસબ્રિજ પોલીસ સ્ટેશને આવી  પહોંચ્યો. એલિસબ્રિજ પોલીસના પરોઢિયે હાજર એવા રાજીવ પુવારે સુરક્ષાનો અહેસાસ કરાવી બેસાડ્યો. ત્યારબાદ પી.એસ.આઇ એસ.ડી. પટેલ તેમ જ અન્ય કર્મચારીઓએ માનવતા દાખવી, સાંત્વના આપી. દિવસોથી ભૂખ્યાં રુપેશને જમાડ્યો. ત્યારબાદ આ વિખૂટા પડેલાં યુવકને પરિવાર સાથે મેળવવાના પ્રયત્નો શરુ કર્યા.

મૂળ ઉત્તર પ્રદેશના એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં જ ફરજ બજાવતા અખિલેશ પાંડેએ chitralekha.com ને જણાવ્યું કે, માનસિક અસ્વસ્થ અને ગભરાયેલો આ યુવક તૂટકતૂટક ભાષા બોલતો. પોતાના ગામનું નામ ટિકરગઢ કહેતો હતો. આટલી જ જાણકારીને આધારે જુદા જુદાં ક્ષેત્રના  મિત્રવર્તુળનો સંપર્ક કર્યો.  અમારી મહેનત ત્યારે ફળી જ્યારે એ ગામના સરપંચે કન્ફર્મ કર્યું કે હા રુપેશ ગાજેરામનો પરિવાર ટિકરગઢમાં જ વસે છે.

ત્યારબાદ એની માતા સાથે વાત કરી ફોટોગ્રાફ્સના આદાનપ્રદાન દ્વારા કહ્યું કે , રુપેશ અમદાવાદ પોલીસ પાસે સકુશળ છે. અંદાજે  સપ્તાહથી કુંટુંબથી વિખુટા પડેલા રુપેશને છઠ્ઠી માર્ચે વહેલી સવારે પિતા ગાજેરામ લેવા આવ્યા ત્યારે પોલીસની કામગીરી જોઇ હર્ષના આંસુ સાથે ભાવુક થઇ બોલી ઉઠ્યાં..બધા જ વિસ્તારની પોલીસ આવી માનવતા દાખવતી હોય તો  કેટલું સારુ…!! આ ઘટનાને જોતાં ચોક્કસ કહી શકાય કે પોલીસનો ઓપરેશન મુસ્કાન કાર્યક્રમ સફળ રહ્યો.

(તસવીર-અહેવાલઃ પ્રજ્ઞેશ વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]