વડા પ્રધાન મોદીના નાના ભાઈ પ્રહલાદ મોદીના પત્નીનું અમદાવાદમાં નિધન

અમદાવાદ – વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પ્રહલાદ મોદીના પત્ની ભગવતીબેનનું હૃદયરોગના હુમલાને કારણે અમદાવાદમાં આજે નિધન થયું છે. એ ઘણા વખતથી બીમાર હતા. સિવિલ હોસ્પિટલમાં એમણે અંતિમ શ્વાસ લીધો હતો.

ભગવતીબેન 55 વર્ષનાં હતાં. એ છેલ્લા ઘણા વખતથી બીમાર હતાં. એમને બ્લડપ્રેશર, કિડની અને ડાયાબિટીસની બીમારી હતી અને એને કારણે એમને પેરાલિસીસ થઈ ગયો હતો. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એ સારવાર હેઠળ હતાં.

ભગવતીબેનનાં પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે સિવિલ હોસ્પિટલમાંથી એમના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યું હતું. સાંજે પાંચ વાગ્યે થલતેજ સ્થિત સ્મશાનભૂમિમાં એમનાં અંતિમ સંસ્કાર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

નરેન્દ્ર મોદીને ચાર ભાઈ અને એક બહેન છે. પોતે ત્રીજા નંબરના છે. એમનાથી મોટા બે ભાઈ છે સોમાભાઈ અને અમૃતભાઈ. એમનાથી નાના છે, પ્રહલાદભાઈ, વાસંતીબેન અને પંકજભાઈ.

ઉલ્લેખનીય છે કે રાજકારણમાં આવ્યા તેના ઘણા સમય અગાઉ નરેન્દ્ર મોદી એમના પરિવારથી અલગ થયા હતા. રાજકારણમાં આવ્યા બાદ પરિવારજનો સાથે એમનો સંપર્ક ઓછો જ રહ્યો છે. જોકે એ ક્યારેક ક્યારેક ગાંધીનગરમાં એમના માતા હીરાબાને મળવા જરૂર જાય છે.

આજે વડા પ્રધાન મોદી લોકસભા ચૂંટણી પ્રચાર માટે અયોધ્યાની મુલાકાતે ગયા છે. અહેવાલ અનુસાર, ગાંધીનગરમાં રહેતાં એમનાં માતુશ્રી હીરાબાએ નરેન્દ્ર મોદીને ફોન કરીને આ દુખદ સમાચાર આપ્યા હતા અને કહ્યું કે તું તારું કામ ચાલુ રાખજે. અહીંયા અંતિમ સંસ્કાર તથા અન્ય વિધિ અહીંના દીકરાઓ સંપન્ન કરી લેશે.

પરમેશ્વર સદ્દગતનાં આત્માને શાંતિ આપે અને પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના.