આ કારણે તાપી નદી પર કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા કેબલ બ્રિજનું ઉદઘાટન PM મોદી નહીં કરે

સૂરત- સૂરતની તાપી નદી પર ઘણા વિવાદો બાદ કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો કેબલ સ્ટેઈડ બ્રિજ અંતે તૈયાર થઈ ગયો છે. ત્યારે આ બ્રિજના ઉદઘાટન માટે વડાપ્રધાન મોદીને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. પરંતુ હવે વડાપ્રધાન મોદી દ્વારા આ બ્રિજનું ઉદઘાટન કરવામાં નહીં આવે.સૂરતના મેયર જગદીશ પટેલ દ્વારા મોકલવામાં આવેલા આમંત્રણનો PMO ઓફિસમાંથી જવાબ આવ્યો છે. જેમાં લખ્યું છે કે, હાલ પીએમ મોદી તેમના કામમાં વ્યસ્ત છે. અને આગામી લોકસભા ચૂંટણીને લઇને વ્યસ્ત શિડ્યૂલ હોવાથી તેઓ બ્રિજના ઉદઘાટનમાં આવી શકશે નહીં.

ભારે વિવાદમાં રહ્યો છે આ બ્રિજ

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2014માં અઠવા લાઇન્સથી કેબલ સ્ટેઇડ બ્રિજને જોડતો સ્પાન તૂટી પડયો હતો, જેમાં 10 મજૂરોના મોત નિપજ્યા હતાં. ભારે વાદવિવાદ બાદ આખરે કેબલ સ્ટેઇડ બ્રિજ હવે તૈયાર થઇ ગયો છે. ઘણા સમયથી તૈયાર થયેલ આ બ્રિજનું પીએમ મોદી ઉદઘાટન કરવાના હોવાથી વિલંબ થઈ રહ્યો હતો.

જાહેર જનતાને પડી રહેલી મુશ્કેલીઓને જોતાં બે દિવસ અગાઉ કોંગ્રેસના નગરસેવક દિનેશ કાછડીયાએ 48 કલાકમાં બ્રિજની લોકાર્પણની તારીખ જાહેર નહીં કરાય તો કોંગ્રેસના હસ્તે ખુલ્લો મુકવાની ચીમકી આપી હતી. જેથી મેયર દ્વારા પીએમઓ ઓફિસે આમંત્રણ મોકલવામાં આવ્યું હતું, પરંતુ હવે પીએમઓ ઓફિસથી બ્રિજના ઉદઘાટનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નહીં આવે એવો જવાબ આવ્યો છે.

10 વર્ષ અગાઉ થયું હતું બ્રિજનું ખાતમૂહર્ત

આ બ્રિજનું 10 વર્ષ પહેલા નરેન્દ્ર મોદીના હાથે ખાતમુર્હત કરવામાં આવ્યું હતું. પરંતુ હવે 10 વર્ષના લાંબા ગાળા બાદ સૂરતના અડાજણથી અઠવાલાઇન્સને જોડતો કેબલ સ્ટેઇડ બ્રિજ આશરે 143 કરોડના ખર્ચે તૈયાર થઇ ગયો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર સૂરતમાં બનેલા આ નિર્માણધીન કેબલ બ્રિજને પહેલી અથવા બીજી ઓક્ટોબરે સીએમના હસ્તે ખુલ્લો મુકાય તેવી શક્યતા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]