PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, આણંદ, કચ્છ અને રાજકોટમાં વિવિધ કાર્યક્રમ

અમદાવાદ- પીએમ મોદી જૂન-2017 પછી ફરી એકવાર તેમને રાજકારણમાં પ્રવેશ અપાવનાર રાજકોટ શહેરમાં આવી રહ્યાં છે. જોકે આ પહેલાં તેઓ આણંદ અને કચ્છના કાર્યક્રમમાં જવાના છે અને ત્યાર બાદ રાજકોટ આવશે. વડાપ્રધાન આણંદમાં આધુનિક ફૂડ પ્રોસેસિંગ સુવિધાઓનું ઉદઘાટન કરવા આવી પહોચ્યાં છે. જેમાં અમૂલનો અત્યાધુનિક ચોકલેટ પ્લાન્ટ સામેલ છે.

આ ઉપરાંત આણંદ કૃષિ વિશ્વ વિદ્યાલયનાં ઇન્ક્યુબેશન સેન્ટર કમ સેન્ટર ઓફ એક્સલન્સ ઇન ફૂડ પ્રોસેસિંગ અને મુજકુવા ગામમાં સોલર કોઓપરેટિવ સોસાયટીનું પણ ઉદઘાટન પણ કરશે.

મુન્દ્રા એલએનજી ટર્મિનલનું કરશે ઉદઘાટન

વડાપ્રધાન અંજાર-મુન્દ્રા પાઇપલાઇન પ્રોજેક્ટ, મુન્દ્રા એલએનજી ટર્મિનલ અને પાલનપુર-પાલી-બાડમેર પાઇપલાઇન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. તેઓ અહીં પણ જનસભાને સંબોધિત કરશે. ત્યારબાદ વડાપ્રધાન રાજકોટમાં આવશે.

પીએમ મોદી રાજકોટ શહેરમાં આશરે બે કલાક રોકાશે. સિવિલ હોસ્પિટલની બાજુમાં આવેલી ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાં સાંજે 5 વાગ્યે પીએમ મોદીની સભા યોજાશે. આ માટે સરકારના માર્ગ-મકાન વિભાગના સૂત્રો અનુસાર 350 બાય 4૦૦ ફૂટનો ફાયર અને વોટર પ્રૂફ એવો જર્મન ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. આ ડોમ પાછળ આશરે 6૦ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ડોમની ઉંચાઈ 20થી 3૦ ફૂટની હોય છે અને તેમાં સ્ટેજથી મેદની વચ્ચેનો એક મોટો હિસ્સો સિક્યુરિટીના દ્રષ્ટિકોણથી ખાલી રાખવામાં આવશે, જેમાં આશરે 15 હજાર લોકો તેમાં બેસી શકશે.

પીએમ મોદી જ્યુબિલી ચોક પાસે મહાત્મા ગાંધી અનુભૂતિ કેન્દ્રનું લોકાર્પણ કરશે. આ દોઢ સદી પહેલાની સ્કૂલ બિલ્ડીંગમાં હવે એ.સી.ફીટ કરવામાં આવ્યાં છે. વિદ્યાર્થીઓ ગાંધી વેશભૂષામાં આવીને અને આ દિવસ પૂરતા કાર્યક્રમ ગાંધીમય બને તે માટે પણ તૈયારી થઈ રહી છે.

પીએમ મોદી સૌ પહેલા એરપોર્ટ પર આવી, રેસકોર્સ રીંગરોડ, બહુમાળી ભવન, ચૌધરી હાઈસ્કૂલ ચોક થઈ ગાંધી અનુભૂતિ કેન્દ્રએ આવશે. આ આશરે 2 કિ.મી.ના રૂટ પર ફૂટપાથો પર બેરીકેડ ઉભી કરાઈ છે. આ ઉપરાંત વિશાળ કટઆઉટ, પ્રતિકૃતિઓ ચોકે ચોકે મુકવામાં આવી છે. રોશનીનો ઝાકમઝોળ પાછળ પણ લાખોના ખર્ચે કરવામાં આવ્યો છે.

ગાંધી મ્યુઝિયમ બિલ્ડીંગમાં ચૂસ્ત પહેરો ગોઠવી દેવાયો છે. સમગ્ર કેન્દ્રના પરિસર સી.સી.ટી.વી.થી સજ્જ છે. અને આજુબાજુના વિસ્તારમાં પણ સીસીટીવી રાઉન્ડ ધ ક્લોક ચાલશે.

ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત

પીએમના આગમનને લઈને રાજકોટ શહેરમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેને પગલે 6 એસપી, 19 ડીવાયએસપી, 39 પીઆઈ, 168 પીએસઆઈ સહિત કુલ 2750 પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે. પોલીસની સાથે SRPની 3 કંપની અને BDSની 7 ટીમ અને SPGની ટીમ પીએમ મોદીના બંદોબસ્તમાં ખડેપગે રહેશે.

પીએમ મોદી સાંજે 6.20 મિનિટે ચૌધરી હાઇસ્કૂલથી નીકળીને 6.30 વાગ્યે નવનિર્મિત મહાત્મા ગાંધી મ્યુઝિયમ પહોંચશે. 7 વાગ્યા સુધી મ્યુઝિયમમાં ગાંધીજીના સંસ્મરણો સમાન પ્રતિકૃતિઓ નિહાળીને ત્યાંથી સીધા જ 7.05 મિનિટે રવાના થઇ 7.15 વાગ્યે એરપોર્ટ પહોંચશે અને ત્યાંથી 7.20 મિનિટે એરફોર્સના બોઇંગ વિમાન મારફત દિલ્હી જવા પ્રસ્થાન કરશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]