આજે 69મા જન્મદિવસે PM મોદી નર્મદા ડેમની મુલાકાતે

અમદાવાદ – વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાનો 69મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આજના વિશેષ દિવસે તેઓ વતન ગુજરાતમાં આવ્યા છે. અમદાવાદમાં રાતવાસો કર્યા બાદ સવારે તેઓ રાજભવનથી કેવડિયા જવા રવાના થયા હતા. જ્યાં એમણે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની મુલાકાત લીધી.

નર્મદા ડેમ અને નર્મદા મૈયાનાં દર્શન કરી મોદી પૂજા-અર્ચના કરશે.

આજે સવારે કાર્યક્રમની વ્યસ્તતાને કારણે વડા પ્રધાન મોદી એમના માતા હિરાબાને ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને જઈને મળી શક્યા નથી. કદાચ બપોરે મળવા જાય એવી ધારણા છે.

વડા પ્રધાન હેલિકોપ્ટર દ્વારા કેવડિયા પહોંચ્યા હતા. આકાશમાંથી એમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારકનો ભવ્ય નજારો નિહાળ્યો હતો અને એનો વિડિયો પોતાના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કર્યો હતો. આ સ્મારક દેશના મહાન સ્વાતંત્ર્ય સેનાની અને પ્રથમ નાયબ વડા પ્રધાન, ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ તરીકે છે.

વડા પ્રધાન મોદીની મુલાકાતને ધ્યાનમાં લઈને નર્મદા ડેમને ગઈ કાલે રાતે રોશનીથી સુશોભિત કરવામાં આવ્યો હતો. સરદાર સરોવર નર્મદા ડેમ નિર્માણ થયા બાદ 70 વર્ષમાં આ વખતે પહેલી જ વાર પૂરેપૂરો (138.68 મીટર સુધી ભરાઈ ગયો છે.

નર્મદા ડેમ ઈતિહાસમાં પહેલી જ વાર છલોછલ ભરાયો એની ખુશાલીમાં ગુજરાતભરમાં ઉજવણી કરવાનું ગુજરાત સરકારે નક્કી કર્યું છે. એ ઉજવણીમાં સહભાગી થવા માટે વડા પ્રધાન મોદી ગુજરાત આવ્યા છે અને નમામિ દેવી નર્મદે મહોત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે.

વડા પ્રધાન મોદીના આજે જન્મદિવસ નિમિત્તે ગુજરાત તથા દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વડા પ્રધાન મોદી ગઈ કાલે રાતે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીથી અમદાવાદ આવી પહોંચ્યા હતા.

એરપોર્ટ પર ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ તથા અન્યોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. મોદીના સ્વાગત માટે એરપોર્ટ રોડને રોશનીથી શણગારવામાં આવ્યો હતો.

મોદી વડા પ્રધાન બન્યા બાદ પણ દર વર્ષે પોતાના જન્મદિવસે એમના માતા હિરાબાને મળવા અને એમનાં આશીર્વાદ મેળવવા માટે ગાંધીનગર નિવાસસ્થાનની મુલાકાત અચૂક લેતા હોય છે. આ વખતે પણ તેઓ આવ્યા છે અને કદાચ બપોરે એમને મળવા જશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]