સિવિલ હોસ્પિટલમાં બે નવા બિલ્ડિંગ તૈયાર, PM મોદી ઉદઘાટન કરે તેવી શક્યતા

અમદાવાદ– વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવિલ હોસ્પિટલમાં નવી બનેલ ડેન્ટલ હોસ્પિટલ અને આઈ હોસ્પિટલનું ઉદઘાટન કરવા માટે 17મી ડિસેમ્બરે અમદાવાદ આવે તેવી શક્યતા છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની એક મિટિંગ પણ યોજવામાં આવી હતી. જેમાં આપત્તિના સમયે કેવી રીતે પહોંચી વળાય અને જાનહાનિ ઘટાડી શકાય તે અંગે વિવિધ વિભાગના વડા, પોલીસ અધિકારી અને ફાયરના અધિકારીઓએ ચર્ચા કરી હતી.

સિવિલ હોસ્પિટલમાં તાજેતરમાં જ નવા કેટલાક બિલ્ડિંગ્સ તૈયાર થઇ રહ્યાં છે જેનો શુભારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવે તેવી શક્યતાઓ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતાં ત્યારે તેમણે જ વિવિધ બિલ્ડિંગોના શિલાયાન્સ કર્યા હતાં. તેથી ઉદઘાટન પણ તેમના હસ્તે થાય તેવી ગોઠવણ કરવામાં આવી રહી છે. જો કે, તેઓ ક્યારે આવશે તે અંગે કોઇ જ માહિતી હજી સુધી મળી શકી નથી.ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી દ્વારા સિવિલ હોસ્પિટલમાં બેઠક બોલાવામાં આવી હતી. જેમાં સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગના વડા, પોલીસ ઇન્સ્પેક્ટર શાહિબાગ, ફાયરના અધિકારીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં કોઇ પણ આપત્તિને પહોંચીવળવા તંત્ર કેટલું સજ્જ છે અને હોસ્પિટલનો સ્ટાફ કેટલો સક્ષમ છે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત આગામી જ સમયમાં ડેન્ટલ અને આઇ હોસ્પિટલનું ઉદઘાટન કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે તેવી શક્યતાઓ પણ વ્યક્ત થઇ છે.ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી ગુજરાતની તમામ હોસ્પિટલમાં સેફ્ટી એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરાવે છે. કોઇ પણ આપત્તી આવે તેના માટે હોસ્પિટલ મેનેજમેન્ટ તૈયાર છે કે નહીં. હોસ્પિટલનો સ્ટાફ તેના માટે તૈયાર રહે તે માટે એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં આ મહિનાના અંતમાં મોક ડ્રીલ પણ યોજવામાં આવશે. જેમાં હોસ્પિટલનો સ્ટાફ, ઇન્ફ્રાસ્ટક્ચર અને મટિરીયલ કેટલું સજ્જ છે તેની જાણકારી મળી શહેશે.

12મી ડિસે. ના રોજ બિલ્ડિંગ વાઇઝ જુદા જુદા માસ્ટર ટ્રેનર તૈયાર કરવામાં આવ્યા છે, જેમને ટ્રેનિંગ આપવામાં આવશે. ત્યારબાદ માસ્ટર ટ્રેનર 13થી 17મી સુધી તમામ કર્મચારીઓને ટ્રેનિંગ આપશે. જેમાં કોઇ પણ આપત્તિ સર્જાય તો કઇ જગ્યાએ જવું અને જાનહાનિ ટાળી શકાય સહિતના મુદ્દે ટ્રેનિંગ આપવામાં આવશે.