જન આરોગ્ય યોજનાનો રાજ્યસ્તરીય પ્રારંભ 23મીએ, આ છે કાર્યયોજના

ગાંધીનગર- દેશના કરોડો નાગરિકોને ઉચ્ચ પ્રકારની મોંઘી સારવાર વિનામુલ્યે પુરી પાડવા માટે ભારત સરકાર દ્વારા આયુષ્યમાન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જાહેર કરાઈ છે. જેનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ આગામી 23મી સપ્ટેમ્બરે ઝારખંડના રાંચીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાશે. ગુજરાતમાં આ યોજનાનું શુભારંભ અમદાવાદ ખાતેથી મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં કરવામાં આવશે.

PMJAY યોજના હેઠળ મળશે આ લાભો

  • રાજ્યના 44 લાખથી વધુ પરિવારના 2.25 કરોડ નાગરિકોને 100 ટકા સરકારી ખર્ચે સારવાર
  • નાના મોટા કોઈપણ રોગ સામે વાર્ષિક રૂ.5 લાખની મર્યાદામાં સારવાર પૂરી પડાશે. 60 ટકા કેન્દ્ર સરકાર અને 40 ટકા રાજ્ય સરકાર ખર્ચ ભોગવશે.
  • રાજ્યની 1700થી વધુ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર પૂરી પડાશે.
  • રાજ્ય કક્ષાએ મોનિટરીંગ માટે સ્ટેટ હેલ્થ એજન્સીની રચના કરવામાં આવશે.

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આ અંગે વધુ વિગતો આપતાં કહ્યું કે, આયુષ્યમાન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્યના 44 લાખથી વધુ પરિવારના 2.25 કરોડ નાગરિકોને 100 ટકા સરકારી ખર્ચે સારવાર પુરી પડાશે. નાના મોટા રોગોમાં વાર્ષિક રૂ.5 લાખની મર્યાદામાં આ યોજના હેઠળ નોંધાયેલા પરિવારોને સારવાર પુરી પાડવામાં આવશે. જે હેઠળ પ્રાથમિક, સેકન્ડરી અને ટર્શરી સારવાર માટે પેકેજ નિયત કરી પેકેજના દર મુજબ સારવાર પુરી પડાશે. રાજ્યભરની 1700થી વધુ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં આ યોજના હેઠળ સારવાર પ્રાપ્ત થશે.

તમામ હોસ્પિટલોમાં પ્રધાનમંત્રી આયુષ્યમાન મિત્ર ઉપલબ્ધ હશે. જે લાભાર્થીને સારવાર સમયે માર્ગદર્શન આપશે અને આ હોસ્પિટલોમાં આયુષ્યમાન ભારત–પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સારવાર અંગેનું બોર્ડ પણ લગાવાશે.

આ યોજના હેઠળ 60 ટકા ખર્ચ કેન્દ્ર સરકાર અને 40 ટકા ખર્ચ રાજય સરકાર ભોગવશે. ભારત સરકાર દ્વારા વર્ષ 2011-12માં હાથ ધરાયેલ સામાજિક-આર્થિક સર્વેક્ષણ મુજબ ગુજરાતમાં 2.25 કરોડ નાગરિકોને લાભ મળવાનો છે તેનો સંપુર્ણ ડેટા તૈયાર થઈ ગયો છે. આ પરિવારના નાગરિકોને નાના તથા ગંભીર રોગ સામે સારવાર પૂરી પડાશે. જેમા 50 હજાર સુધીના સારવારનો ખર્ચ વીમા કંપનીઓ દ્વારા હોસ્પિટલોને ચુકવાશે. રૂપિયા 50 હજારથી વધુ સારવારનો ખર્ચ થશે તો માં વાત્સલ્ય યોજના મુજબ હોસ્પિટલના બિલની ચકાસણી કરીને ચુકવાશે. આ સેવાઓ માટે કોઈપણ નાગરિકે એક પણ રૂપિયો રોકડ સ્વરૂપે કોઈ પણ હોસ્પિટલમાં ચુકવવાનો રહેશે નહીં.

આ યોજનાનું અમલીકરણ રાજ્યકક્ષાએ ગુજરાત હેલ્થ પ્રોટેક્શન સોસાયટી દ્વારા કરવામાં આવશે. જે હેઠળ સ્ટેટ હેલ્થ એજન્સીની રચના કરવામાં આવી છે. આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીનું નામ અને તેમના કુંટુંબના સભ્યોનું નામ નીયત માપદંડ ધરાવતાં સામાજિક-આર્થિક અને જાતિ આધારિત સર્વેક્ષણ ૨૦૧૧ની યાદીમાં હોવું જરૂરી છે. લાભાર્થીએ આધારકાર્ડ, ઈ-કાર્ડ, “માં” અથવા “માં-વાત્સલ્ય”કાર્ડમાંથી કોઈપણ એક કાર્ડ અને રાશનકાર્ડ સાથે રાખવાનું રહેશે.