દાંતાઃ એકમાંડવે આખી શાળા, ગુજરાતના શિક્ષણનું એક ખાસ ચિત્ર….

બનાસકાંઠાઃ દાંતા તાલુકાનાં કુંભારીયાની નદીફળીનાં વિદ્યાર્થીઓ જાણે 18મી સદીમાં અભ્યાસ કરી રહ્યાં હોય તેવી પરિસ્થિતિમાં છે. એકતરફ સરકાર મોંઘાદાટ સ્માર્ટબોર્ડના શિક્ષણ આપવાનું ગૌરવ વ્યક્ત કરે છે ત્યારે આવા દ્રશ્ય વિરોધાભાસી ચિત્ર રજૂ કરી રહ્યાં છે.
આ તસવીરમાં છે તે કોઇ તબેલો નથી. પણ આ છાપરામાં વનવાસી વિદ્યાર્થીઓ આ તબેલાં જેવાં છાપરામાં અભ્યાસ કરી રહ્યા છે.  દાંતા તાલુકાના કુંભારીયા વિસ્તારની નદીફળી ગામની સરકારી પ્રાથમિક શાળા જ્યાં ધોરણ 1 થી 5 નાં 80 ઉપરાંતના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ને તેમાં પણ પાંચ વર્ગ એકસાથે છાપરા નીચે બેસાડી એકમાત્ર શિક્ષક દ્વારા ભારત દેશના ભવિષ્યને ઘડવામાં આવી રહ્યું છે.
ઘટાટોપ જંગલમાં જાનવરોની દહેશત વચ્ચે વાલીઓ બાળકોને શાળામાં મૂકવા આવે છે અને છૂટતી વખતે પરત લેવા પણ આવે છે. નવાઇની વાત તો એ છે કે આ શાળામાં નથી શૌચાલય કે નથી પીવાના પાણીની વ્યવસ્થા, નદી ના એક વોકળામાંથી પાણીનું ડબ્બુ ભરી લાવી બાળકોને પાણી પીવડાવવામાં આવે છે. અને તે પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય તેવું જોવા મળી રહ્યુ છે. જોકે ચૂંટણીઓ આવતાં નેતાઓ આ વિસ્તારમાં ઠાલા વચનો આપી ભોળા આદિવાસી લોકોને છેતરી વોટ લઇ જાય છે.
 આ વિસ્તારમાં 70થી 80 જેટલાં રહેણાંકો હોવા છતાં રસ્તાની પણ કોઇ જ સુવિધા નથી. જ્યાં કોઇ માણસ માંદો પડે કે પ્રસૂતા મહિલાઓ હોય તો તેમને એક લાંકડામાં ઝોળી બનાવી પાંચ કિલોમીટર સુધી ખભે નાખી આખું ગામ લઇ જતું હોય છે. સરકારની કરોડો રૂપિયાની વનબંધુ કલ્યાણ યોજનાઓ હોવા છતાં આ વિસ્તારના આદિવાસી લોકો હજી પણ બદતર જિંદગી જીવી રહ્યાં છે. જ્યાં 108 એમ્બ્યૂલન્સ વાન તો શું પણ રીક્ષા પણ જઇ શકે તેવાં રસ્તા નથી.
આ નદીફળી વિસ્તાર કુંભારીયાથી 6 થી 7 કિલોમીટર દૂર આવેલો છે. ને જ્યારે ચૂંટણીઓ આવે છે. ત્યારે આ ગામ માં શાળાના ઓરડાના અભાવે મતદાન બૂથ થઇ શકતો નથી. પરિણામે પાંચથી સાત કિલોમીટર ચાલીને મતદારોએ મતદાન કરવા જવુ પડે છે. પણ આ વખતે આવનારી ચૂંટણીઓમાં ગામની ભૌતિક સુવિધાઓ જ્યાં સુધી પુરી નહીં થાય ત્યાં સુધી મતદાન નહીં કરવા આ વિસ્તારના સમગ્ર આદિવાસી લોકોએ જાણે સંકલ્પ કર્યો હોય તેવો રોષ જોવા મળી રહ્યો છે.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]