મહેસાણામાં ફ્લાઈટ સ્કૂલની થશે સ્થાપના, નવી રોજગારીની તકો સર્જાશે

ગાંધીનગર- વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019ની તૈયારી જોરશોરથી ચાલી રહી છે, અને વાયબ્રન્ટ ગુજરાતના પ્રતિનિધિમંડળ જૂદા જૂદા દેશોના પ્રવાસે છે. હાલ એક ડેલિગેશનની ટીમ એમેરિકાના પ્રવાસે છે, જેની આગેવાની ગુજરાત સરકારના નાણાં વિભાગના અધિક મુખ્ય સચીવ અરવિંદ અગ્રવાલ કરી રહ્યાં છે. આ પ્રતિનિધિમંડળે કોનકોર્ડ, કેલિફોર્નિયા ખાતે પેસિફિક સ્ટેટ એવિએશન (પીએસએ) ઇન્કના વર્લ્ડ-ક્લાસ ફ્લાઇટ પ્રશિક્ષણ સ્થાનની મુલાકાત લીધી હતી. અને મહેસાણામાં ભારતના ભાવિ પાયલોટોને ઉડ્ડયન તાલીમ માટે ફ્લાઇટ સ્કૂલ અને તાલીમ કેન્દ્રની સ્થાપના કરાવા માટે એમઓયુ કર્યા હતાં.

આ વાયબ્રન્ટ ગુજરાતના પ્રતિનિધિ મંડળે પેસિફિક સ્ટેટ એવિયેશન ઇન્ક અને બ્લુ રે એવિએશન ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાતના મહેસાણા ખાતે ભાવિ ભારતીય પાયલોટને ઉડ્ડયન તાલીમ આપવા માટે અને કોનકોર્ડ, યુએસએમાં તેમની હાલની એકેડમી માટે સંયુક્ત ઉપક્રમે કંપની રચવા એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતાં.

મહેસાણા ખાતે આ તાલીમ કેન્દ્ર વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૧૯ સુધી શરૂ થશે. બ્લ્યુ રે એવિએશન દ્વારા ૨૦૧૯ના મધ્ય સુધીમાં મહેસાણામાં સુવિધા માટે રૂ.૨૫ કરોડ અને આગામી પાંચ વર્ષમાં રૂ.૧૦૦ કરોડનું રોકાણ કરવાનો પ્રસ્તાવ છે. આ એન્ટરપ્રાઇઝ આગામી પાંચ વર્ષમાં આશરે ૧૦૦૦ જેટલી રોજગારીની તકોનું નિર્માણ થશે. તે પૈકી પ્રથમ બે વર્ષમાં ૩૦૦ જેટલી રોજગારીની તકો ઉપલબ્ધ થશે. બ્લુ રેએવિએશન પ્રા. લિ.એ ડીજીસીએ દ્વારા માન્ય ઉડ્ડયનની તાલીમ આપતી સંસ્થા છે, જે મહારાષ્ટ્રના ઉસ્માનાબાદમાં ઓપરેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવે છે અને હવે ગુજરાતના મહેસાણા ખાતે તેનું વિસ્તરણ થશે.

એરક્રાફ્ટ એન્જિનિયરો અને ગ્રાઉન્ડ સ્ટાફને તાલીમ આપશે

આ કંપની એરક્રાફ્ટ એન્જિનિયરો અને ગ્રાઉન્ડ સ્ટાફને પણ તાલીમ આપશે. પીએસએ દ્વારા, બ્લુ રે એવિએશન ડીજીસીએ ધોરણોને પ્રશિક્ષણ આપશે અને ફ્લાઇટ પ્રશિક્ષણની યુ.એસ. પદ્ધતિનો સમાવેશ કરશે. આ માટે કંપની દ્વારા જરૂરી તકનીક, અભ્યાસક્રમ અને અન્ય તમામ ઇનપુટ આપવામાં આવશે. સાથે સાથે બ્લુ રેને સિમ્યુલેટર માટે પણ ઓફર કરશે. જેમાં મેઇન્ટેનન્સ અને ઓપરેશન્સ (એમઆરઓ) એકમ પણ ચલાવશે અને ચાર્ટર પર એરક્રાફ્ટ પણ ઓફર કરશે. આ અંગે ઔપચારિક કરાર આગામી ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૮ સુધીમાં કરવામાં આવે તેવી શક્યતા છે.

અમેરિકામાં વાયબ્રન્ટ ગુજરાત પ્રતિનિધિમંડળના અરવિંદ અગ્રવાલએ કહ્યું કે, આ ભાગીદારી ગુજરાત અને ભારતના સામાન્ય ઉડ્ડયન ક્ષેત્રમાં નવા દ્વાર ખોલશે અને ગુજરાત ઉડ્ડયન ક્ષેત્રે નવા શિખરો સર કરી આ ક્ષેત્રે નવી રોજગારીનું સર્જન કરશે.

અત્યાર સુધી ભારત સરકારનું ધ્યાન ફક્ત નાગરિક ઉડ્ડયન પર કેન્દ્રિત હતું. જો કે, યુએસએમાં સામાન્ય ઉડ્ડયન ૧૫૦ અબજ ડોલરની આર્થિક પ્રવૃત્તિ છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં નોંધાયેલા ૨,૨૦,૦૦૦ નાગરિક એરક્રાફ્ટમાંથી ૯૦ ટકાથી વધુ સામાન્ય ઉડ્ડયન વિમાન છે. ૬,૦૦,૦૦૦ પાઈલટો પૈકી, ૫,૦૦,૦૦૦ પાઈલટો સામાન્ય ઉડ્ડયન વિમાન ઉડાવે છે. આ ભારતમાં સામાન્ય ઉડ્ડયનની સંભવિતતા દર્શાવે છે.

ઉલ્લેખનીય છે કે, વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ બિઝનેસ સમિટની ૯મી આવૃત્તિ 18થી20 જાન્યુઆરી 2019 ત્રણ દિવસ યોજાશે.