મહાત્માના મંદિરે જતા પહેલાં સ્વચ્છતાનો આ સંદેશ લેતા જજો

ગાંધીનગરઃ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં મહાત્મા મંદિર સંકુલ તૈયાર થયા બાદ અનેક રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય તેમજ સ્થાનિક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જેમાં વિશેષ રીતે વાઇબ્રન્ટ ગુજરાત જેવા કાર્યક્રમનો પણ સમાવેશ થાય છે. જુદા  જુદા ક્ષેત્રના અધિવેશન, સંવાદો, વક્તવ્યો અને પ્રદર્શનો મહાત્મા મંદિરમાં ઓડિટોરિયમ અને કેમ્પસમાં યોજાઇ રહ્યા છે. કાર્યક્રમો અને અધિવેશનોથી ધમધમતા મહાત્મા મંદિર સંકુલ અને એ તરફ જતા માર્ગ પર સ્વચ્છતા અને સુંદરતા જળવાઇ રહે એવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

કારણ કે આ મેગા ઇવેન્ટ્સમાં વી.વી.આઇ.પી મુવમેન્ટ થતી હોય છે. ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશને મહાત્મા મંદિર તરફ જતા માર્ગની દિવાલોને સુંદરતા આપવા માટે અમદાવાદ શહેરની સી.એન. ફાઇન આર્ટસના વિદ્યાર્થીઓને આમંત્રણ આપ્યું. સી.એન. ફાઇન આર્ટસના વિદ્યાર્થીઓએ હમણાં સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પાસેથી મહાત્મા મંદિર તરફ જતા માર્ગની દિવાલો પર સુંદર પેઇન્ટિંગ બનાવવાનું શરુ કર્યુ. અંદાજે દોઢ કિલોમીટરના વિસ્તારની બંન્ને બાજુએ વિદ્યાર્થીઓએ ચિત્રો દોર્યા. ચિત્રોમાં સ્વચ્છ ભારત ઝુંબેશના ચિત્રોને પ્રાધાન્ય આપ્યું હતું.

સરકારના જુદા જુદા વિભાગ સ્વચ્છતા ઝુંબેશ જેવા અનેક પ્રજા લક્ષી વિષયો લઇને વિદ્યાર્થીઓ અને કલાકારો દ્વારા માર્ગો , ઓવર બ્રિજ, અંડર બ્રિજ પર પેઇંટિંગ કરાવી લોક ભાગીદારીનું અનોખુ ઉદાહરણ પુરુ પાડે છે.