બટાકાનો પાક લેતાં ખેડૂતો ભરાણાં, પેપ્સિકોની ફરિયાદ પર કોર્ટે સ્ટે આપ્યો

અમદાવાદ- અમેરિકાની ફૂડ અને બેવરજિસ ક્ષેત્રની દિગ્ગજ કંપની પેપ્સિકોએ ગુજરાતના ત્રણ ખેડૂતો સામે ફરિયાદ નોંધાવી છે. પેપ્સિકોના જણાવ્યાં મુજબ આ ત્રણ ખેડૂત તેમની ચિપ્સ બ્રાન્ડ Lay’s માટે વિકસાવેલ બટાકાની જાતની ગેરકાયદે નકલ કરી તેને ફરી ઉગાડી અને અને વેચી રહ્યાં હતાં. કંપનીએ કહ્યું કે આ જાતના બટાકા ઉગાડવા અને વેચાણનું પેટન્ટ્સ અમારી પાસે જ છે અને તેને ચિપ્સ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે.

ભારતના લેય્ઝ પ્લાન્ટમાં વપરાતાં આ બટાકાનું રજિસ્ટ્રેશન પેપ્સિકો કંપનીના નામે છે જેને અનુલક્ષીને કંપનીની ફરિયાદને આધારે કોમર્શિયલ કોર્ટે ખેડૂતો છબીલભાઈ પટેલ, વિનોદ પટેલ અને હરિભાઈ પટેલને 26 એપ્રિલ સુધી બટાકા ઉગાડવા અને વેચવા પર પ્રતિબંધ મુક્યો છે.

આ ઉપરાંત પેપ્સિકોનાં અનુરોધને કારણે કોમર્શિયલ કોર્ટના જજ મુલચંદ ત્યાગીએ સમગ્ર વિવાદની તપાસ કરવા અને તેના પર વિસ્તૃત રિપોર્ટ બનાવવા માટે એડવોકેટ પારસ સુખવાનીને કોર્ટ કમિશ્નર તરીકે નિયુક્ત કર્યા છે.

પેપ્સિકો ઇન્ડિયા હોલ્ડિંગ પ્રાઈવેટ લિમિટેડે કોર્ટમાં જણાવ્યું કે તેઓએ ચિપ્સ બનાવવા માટે તેમની રજીસ્ટર કરાવેલ જાત  FL 2027નો ઉપયોગ કરે છે. આ જાત FL 1867 અને Wischip નામની બટાકાની અલગ વેરાયટીમાંથી હાયબ્રીડ કરીને મેળવેલ છે.

કંપનીએ FL 2027ને Protection of Plant Varieties and Farmers’ Rights Act, 2001 મુજબ રજીસ્ટર કરાવેલ છે.  ઉલ્લેખનીય છે કે આ જાત સૌપ્રથમ 2009માં વ્યવસાયિક ઉપયોગમાં લેવામાં આવી હતી તેમજ ટ્રેડમાર્ક FC5 હેઠળ તેનો વેપાર કરવામાં આવતો હતો.

ગુજરાતનાં ખેડૂતોએ કોઈ મંજૂરી લીધા વગર આ જાતના બટાકાનો ઉછેર કર્યો હોવાથી કાયદાનો ભંગ થયો છે. ખેડૂતોના બટાકાનાં નમૂનાઓને શિમલા સ્થિત લેબમાં પરીક્ષણ કરવા મોકલતા માહિતી મળી હતી કે આ ખેડૂતો બટાકાની વિવિધતામાં વધારો કરી રહ્યાં છે.