ઓવૈસીનો ગુજરાત પ્રવેશઃ BTP-AIMIM વચ્ચે ગઠબંધન

અમદાવાદઃ રાજ્યમાં ચૂંટણી લડવા માટે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીએ વસાવાબંધુઓ સાથે હાથ મિલાવ્યા છે. આવતા મહિને રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થાય એ પહેલાં ગુજરાતના રાજકારણમાં અસદુદ્દીન ઔવેસીનો પ્રવેશ થઈ રહ્યો છે. ગુજરાતમાં અસદ્દુદીન ઓવૈસીની પાર્ટી AIMIM અને છોટુ વસાવા (બીટીપી)ની પાર્ટીનું ગઠબંધન થયું છે અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તેઓ સાથે મળીને લડશે તેવી જાહેરાત છોટુ વસાવાએ કરી છે.

બીટીપીના પ્રમુખ છોટુ વસાવાએ ટ્વીટ કરીને આ અંગેની જાહેરાત કરી છે. રાજસ્થાનમાં પણ બંને પાર્ટીનું ગઠબંધન થયા તેવા અહેવાલ છે. ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, શંકરસિંહ વાઘેલાની પ્રજા શક્તિ પાર્ટી અને છોટુ વસાવાની બીટીપી સાથે હવે ઓવૈસીની પાર્ટીનો પણ પ્રવેશ થઈ રહ્યો છે. નવા વર્ષે 20 જાન્યુઆરીની આસપાસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થવાની છે અને એ પહેલાં જ સ્થાનિક રાજકારણમાં ઓવૈસીના પ્રવેશથી ગરમાવો આવી ગયો છે.

આ વિશે છોટુ વસાવાએ કહ્યું હતું કે આગામી ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસને હરાવવાના પ્રયાસો કરીશું. સરકાર જ નક્સલવાદી છે, કોઈ અહીં નક્સલવાદી કે આતંકવાદી નથી. ઈકો સેન્સેટિવ ઝોન સામે અદિવાસીઓને બચાવવાની બીટીપીની ભૂમિકા રહેશે. ખેડૂતો મુદ્દે છોટુ વસાવાએ સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે  એક મહિનો થયો. કોર્પોરેટ સેક્ટર સરકારને ગાઇડ કરે છે. સરકાર ઉદ્યોગોના હાથનું રમકડું બની ગઈ છે.