સૂરતમાં બનશે રુ. 606 કરોડના ખર્ચે આઉટર રિંગ રોડ

સૂરતઃ સૂરત શહેર માટે સૂડા વિસ્તારમાં ૯૦ મીટર આઉટર રીંગ રોડનું અંદાજે રૂ.૬૦૬ કરોડના ખર્ચે નિર્માણ કરાશે. આ રીંગ રોડને હાઇડેન્સીટી કોરીડોર તરીકે વિકાસ કરવામાં આવશે.મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં નાયબ સીએમ નીતિન પટેલની ઉપસ્થિતીમાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.આ રીંગ રોડને હાઇડેન્સીટી કોરીડોર તરીકે વિકાસ કરવા માટે ૨૬૬૯ હેકટરમાં ૧૧ નગર રચના યોજનાઓનું આયોજન કરવામાં આવ્યું છે. માર્ચ-ર૦૧૯ સુધીમાં આ રીંગરોડની કાર્યવાહી પૂર્ણ કરવાનું આયોજન છે.

ર૭ કી.મી. લંબાઇનો ૯૦ મી. રીંગરોડ પ્રથમ તબકકે ૪ર મી. પહોળાઇમાં ૬ લેન તેમજ સર્વિસ રોડ રાખવામાં આવશે. તે સિવાય રર નાના બ્રીજ, એક તાપી નદી પરનો બ્રીજ અને બે ફલાય ઓવર બનાવવામાં આવશે. રેલ્વે લાઇન, ક્રીક / કેનાલ ઉપરથી પસાર થવા માટે ૩ રેલ્વે ઓવરબ્રીજ, ર૬ કલવડ અને પ ક્રીક/ કેનાલ અન્ડરપાસ બનાવવામાં આવશે. આ બધાનો ખર્ચ રૂા. ૬૦૦ કરોડ થશે.

આ રીંગ રોડ ર૦૧૯ સુધીમાં પૂર્ણ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે તેમ જ તેના નિર્માણ હેતુ અર્બન રિંગ ડેવલપમેન્ટ કોર્પોરેશનની રચના કરવામાં આવી છે. આ કંપની સમગ્ર રિંગ રોડ અને હાઇડેન્સિટી કોરિડોરના ર,૬૬૯ હેકટરનો વિકાસ કરશે.

સૂડાના આ રિંગ રોડના મોટા ખર્ચને પહોચી વળવા નગરરચના યોજનામાં મળતી વેચાણપાત્ર જમીન તેમ જ વેચાણપાત્ર એફએસઆઇમાંથી નાણાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સિવાય અન્ય નાણાકીય સંસ્થાઓમાંથી પણ નાણાં મેળવવામાં આવશે તેમ બેઠકમાં નક્કી થયું હતું.

આ ઉચ્ચસ્તરીય બેઠકમાં શહેરી વિકાસ અગ્ર સચીવ  મુકેશ પૂરી, સૂરત મહાપાલિકાના કમિશનર થેન્નારસન, કલેકટર મહેન્દ્ર પટેલ, સૂડાના સીઇએ અને ચીફ ટાઉન પ્લાનર ઉપસ્થિત રહ્યાં હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]