દિવાળીની અનોખી ઉજવણી કરતી સંસ્થાઓ અને બાળકો…

અમદાવાદ: દિવાળી એટલે ઉત્સાહ, ઉમંગ, ઉપહાર, પ્રકાશનું પર્વ. દરેકના ચહેરા પર સ્મિત સાથે ઉજવણી કરાવતા તહેવારને ઉજવવાની સૌની અનોખી રીત હોય છે. કેટલીક  શાળાના બાળકો, સ્વેચ્છિક સંસ્થાઓ, સિવિલ હોસ્પિટલો દિવાળીનું અલગ જ અંદાજમાં ઉજવવા પ્રયાસ કરે છે. શાળામાં તો રંગોળી સ્પર્ધાઓ અને રંગારંગ કાર્યક્રમો યોજી ઉજવણી થાય છે. પણ.. કેટલીક શાળાઓ વિદ્યાર્થીઓને લઇ જરુરિયાત મંદ લોકો તેમજ વૃધ્ધાશ્રમની મુલાકાત લઇ દિવાળી ઉજવે છે.

શહેરની સૌથી મોટી આરોગ્ય સાથે જોડાયેલી સિવિલ હોસ્પિટલના જુદા જુદા વોર્ડસ, ઓપીડીના સ્ટાફ દ્વારા રંગોળી..થીમ-ડેકોરેશનની સ્પર્ધા યોજાઇ. સિવિલના સ્ટાફે ઇસરો-ચંદ્રયાન-2, સ્વચ્છતા ઝુંબેશ અને પર્યાવરણ બચાવોને પ્રાધાન્ય આપ્યું હતું. અમદાવાદની પ્રેરણા સેન્ટર ફોર એજ્યુકેશન ના વિદ્યાર્થીઓએ વૃધ્ધાશ્રમની દિવાળી પર્વ નિમિત્તે મુલાકાત લીધી હતી. શાળાના બાળકો અને વૃધ્ધાશ્રમની વડીલોની મુલાકાતથી આખુય વાતાવરણ લાગણી સભર બની ગયું હતું. કેટલાક વડીલોને શાળાના બાળકોને જોઇ પોતાના પૌત્ર-પૌત્રીઓની યાદ તાજી થઇ ગઇ.

શાળાના વિદ્યાર્થીઓએ વડીલોને સ્વલિખિત દિવાળી કાર્ડ, મિઠાઇઓ, તેમજ સ્નેક્સ આપ્યા હતું. અમદાવાદ સહિત ગુજરાત રાજ્યના જુદા જુદા વિસ્તારોની શાળાઓ, ધાર્મિક સંસ્થાઓ, મંદિરોમાં  પોતાના અંદાજમાં દિવાળીની ઉજવણી શરુ થઇ ગઇ છે. વેકેશન પૂર્વે અમદાવાદની અક્ષર વિદ્યાલય સહિતની શાળાઓમાં રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાઓએ ઉજવેલી દીપોત્સવીમાં વિવિધ થીમની સાથેની સ્પર્ધાઓ તેમજ દેશ ભક્તિને જુદા જુદા રંગો દ્વારા આકાર આપવામાં આવ્યો હતો.

(પ્રજ્ઞેશ વ્યાસ)