બજેટ સ્પીચ છોડીને પરેશ ધાનાણી દોડ્યા દિલ્હી…આ છે કારણ…

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ગુજરાત વિધાનસભા ગૃહમાં બજેટ સ્પીચ વખતે જ ગેરહાજર જણાયા હતા. ગુજરાતના નાયબ મુખ્યપ્રધાને આ મુદ્દે ગૃહમાં ધ્યાન દોર્યું ત્યારે વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાએ જાહેર કર્યું હતું કે, બંને નેતા દિલ્હી રવાના થયા છે. સૂત્રોએ કહ્યું કે, કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક ડખા-ઘર્ષણ વચ્ચે તાડબતોબ દિલ્હી હાઈકમાન્ડનું તેડું આવતાં તેઓ દિલ્હી રવાના થયા હતા.

ગુજરાત કોંગ્રેસની નેતાગીરી પરેશ ધાનાણી અને અમિત ચાવડાથી હાઈકમાન્ડ ભારોભાર નારાજ છે. આંતરિક ડખાનું સમાધાન ના થતાં હાઈકમાન્ડ પણ લોકસભાની સામી ચૂંટણીએ મૂંઝવણમાં મુકાયું છે. બંને નેતાઓ બજેટ વખતે જ દિલ્હી દોડયા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર આગામી ૨૮મી ફેબ્રુઆરીએ કોંગ્રેસની ર્વિંકગ કમિટીની બેઠકનું ગુજરાતમાં આયોજન કરાયું છે. રાષ્ટ્રીય સ્તરે આ બેઠક ખૂબ મહત્ત્વની મનાય છે. જેની તૈયારીમાં ગુજરાત કોંગ્રેસની નેતાગીરીએ કચાશ રાખી હોવાથી આ બંને નેતાઓને હાઈકમાન્ડે તાબડતોબ દિલ્હી દોડાવ્યા છે. આ બેઠકમાં ભાગ લેવા માટે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ સહિતના નેતાઓ ગુજરાત આવવાના છે.