ભાજપના નેતાઓનો દલિત સમાજ દ્વારા વિરોધ, જિગ્નેશના સમર્થકોની અટકાયત

અમદાવાદ- આંબેડકર જયંતિ નીમિત્તે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી અર્પિત કરવા પહોંચેલા ભાજપના નેતાઓને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ભાજપના સાંસદ કિરીટ સોલંકી ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી અર્પિત કરવા માટે અમદાવાદના સારંગપુર વિસ્તારમાં આવેલી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે પહોંચ્યા હતા. આ દરમિયાન ત્યાં ઉપસ્થિત લોકોએ વિરોધ કરવાનું શરૂ કરી દીધું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર વિરોધ કરી રહેલા લોકો જિગ્નેશ મેવાણીના સમર્થક હતા, અને પોલીસે તેમની અટકાયત કરી હતી.

ગઈકાલે દલિત નેતા જિગ્નેશ મેવાણીએ ધમકી આપી હતી કે ભાજપના કોઈપણ નેતાને આંબેડકરની પ્રતિમા પર પુષ્પાંજલી અર્પિત નહી કરવા દેવામાં આવે. બીજી તરફ અમદાવાદમાં ચુસ્ત સુરક્ષા વચ્ચે મોટી માત્રામાં કાર્યકર્તાઓ સાથે ભાજપના નેતા આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી અર્પિત કરવા પહોંચ્યા હતા. વિરોધ કરનારા લોકોની પોલીસે અટકાયત કરી હતી.