અંબાજી મંદિરે ફરી ઝળહળ્યું સુવર્ણતેજ, વધુ એક કિલો સોનાનું દાન મળ્યું

અંબાજી-સુવર્ણદાનનો મહિમા અનેરો છે અને અપાર પરિશ્રમથી પ્રાપ્ત થતી કોઇ વસ્તુ માટે દાન કરવાનો ભાવ પણ અધિકતમ બને ત્યારે ભક્તની શ્રદ્ધા પ્રતિબિંબિત થઇને સુવર્ણતેજે ઝળહળતી રહે છે. તિરુપતિનું મંદિર હોય કે આપણું અંબાજીનું મંદિર હોય, ભક્તોની ઉચ્ચતમ આસ્થા મંદિરના શિખરોને સોને મઢાવવામાં અવિચળ જ રહી છે. જેને લઇને અંબાજીમાં એક ભક્તે એક કિલો સોનાનું દાન કર્યું હોવાના ખબર મળી રહ્યાં છે.અંબાજી મંદિર ટ્રસ્ટને રાજસ્થાનના મુકેશ મોદીએ રૂ.31 લાખની કીમતનું સોનાનું દાન આપ્યું છે. આદર્શ કો.ઓ. સોસાયટીના ચેરમેન મુકેશ મોદીએ અંબાજી મંદિરને સુવર્ણજડિત બનાવવાના ચાલી રહેલાં કાર્યમાં પોતાના તરફથી સોનાનું દાન આપ્યું છે.રાજસ્થાનના  સિરોહીમાં રહેતા મીનાક્ષીબહેન અને તેમના પતિ મુકેશ મોદી સોમવારે અંબાજી મંદિરમાં આવી એક કિલો સોનાનું એક બિસ્કિટ ભેટ સ્વરૂપે આપ્યું હતું.  2011માં શરુ થયેલી આ સ્કિમમાં 60 ફૂટ શિખરનો ભાગ સુવર્ણમય કરવા માટેની યોજના શરુ કરાઈ હતી જેમાં હવે માત્ર 2 ફૂટ જેટલું કામ બાકી રહ્યુ છે. કુલ 58 ફૂટ શિખર સુવર્ણમય બનાવવા માટે 125 કિલો સોનું વપરાયું છે.

તસ્વીર- ચિરાગ અગ્રવાલ