OMA સ્ટાર્ટ-અપે GSEAનો સ્ટેટ રાઉન્ડ જીત્યો

અમદાવાદઃ દેશના ઊભરી રહેલા ઉદ્યમીઓને ઓળખી કાઢવાના, સમર્થન પૂરું પાડવાના અને પ્રોત્સાહન આપવાના મિશનને આગળ વધારતા આંત્રપ્રિન્યોર્સ ઓર્ગેનાઇઝેશને (EOએ) શનિવારે વર્ષ 2020-21 માટેના ગ્લોબલ સ્ટુડન્ટ્સ આંત્રપ્રેન્યોર્સ એવોર્ડ્સ (GSEA)ના સ્ટેટ રાઉન્ડના વિજેતાઓની જાહેરાત કરી હતી. ઓનલાઇન મેડિકલ એજ્યુકેશન (OMA) પ્લેટફોર્મ મેડગુરુના સ્થાપક ત્રિશલા પંજાબીએ GSEAનો ફાઇનલ રાઉન્ડ (ગુજરાત) જીતી લીધો હતો.

મેડગુરુ એ એક ઓનલાઇન મેડિકલ એજ્યુકેશન પ્લેટફોર્મ છે, જે મેડિકલના વિદ્યાર્થીઓ તથા ડેન્ટલ સ્ટડીઝ અને ફીઝિયોથેરાપી જેવા સંલગ્ન ક્ષેત્રના વિદ્યાર્થીઓને વીડિયો લેક્ચર, એનિમેટેડ એજ્યુકેશન મોડ્યૂલ્સ પૂરાં પાડે છે

આ સ્પર્ધા પોતાનો બિઝનેસ ધરાવતા હોય કે તેનું સંચાલન કરતા હોય કરતા હોય તેવા યુનિવર્સિટી અને કોલેજના વિદ્યાર્થીઓ માટેની એક પ્રમુખ વૈશ્વિક સ્પર્ધા છે. પ્રતિષ્ઠિત જજ જિગર શાહ અને ડો. રાકેશ રાવલની સાથે જતિન ત્રિવેદીની પેનલ દ્વારા શનિવારે અમદાવાદમાં યોજાયેલા ફાઇનલ રાઉન્ડ માટે છ વિદ્યાર્થી ઉદ્યમીઓમાંથી વિજેતા ટીમની પસંદગી કરવામાં આવી હતી. આ વિજેતા ટીમ હવે 12-13મી ફેબ્રુઆરીએ યોજનારા નેશનલ લેવલના રાઉન્ડમાં સ્પર્ધામાં ઊતરશે.

ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ એન્ડ આંત્રપ્રિન્યોરશિપ કાઉન્સિલ (GUSEC) તથા ઇન્ડસ્ટ્રી પાર્ટનર તરીકે ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (ફિક્કી) દ્વારા આ પહેલને સમર્થન પૂરું પાડવામાં આવ્યું હતું.

GSEAના ચેરપર્સન પ્રિયાંશી પટેલે જણાવ્યું હતું કે ‘અમને રાજ્યભરમાંથી અરજીઓ પ્રાપ્ત થઈ હતી અને ફાઇનલ રાઉન્ડ માટે અમે છ વિદ્યાર્થી ઉદ્યમીઓને પસંદ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ‘EOનું ગુજરાત ચેપ્ટર સભ્ય તરીકે 77 જેટલા ઉદ્યાગસાહસિકો ધરાવે છે. જેઓ ફાર્માસ્યુટિકલ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઓટોમોબાઇલ, ફાઇનાન્શિયલ સર્વિસિઝ, કન્સ્ટ્રક્શન અને મેન્યુફેક્ચરિંગ જેવા ઔદ્યોગિક ક્ષેત્રોમાંથી આવે છે. EO GSEA મારફતે અમારો ઉદ્દેશ માર્ગદર્શન, ઓળખ અને જોડાણો થકી વિદ્યાર્થી ઉદ્યમીઓના વ્યવસાયોને સફળતાના નવા શિખરે લઈ જવાનો છે.’