હવે ઓવર સ્પીડથી ચાલતાં વાહનોને રોકશે આ સ્પીડ ગન…

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા ઓવર સ્પીડથી ચાલતા વાહનો પર બ્રેક લગાવવા માટે અદ્યતન ટેકનોલોજી આધારિત સ્પીડ ગનનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે. રાજયના તમામ જિલ્લાઓમાં આ સ્પિડ ગનનો ઉપયોગ આગામી સમયમાં શરૂ કરાવી દેવાશે. આ મામલે સ્ટેટ ટ્રાફિક બ્રાંચના અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા માહિતી આપવામાં આવી છે.

રાજ્યમાં થતા માર્ગ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો કરવા માટે માર્ગ અકસ્માતોના ડેટા એનાલિસિસ કરતા જીવલેણ માર્ગ અકસ્માતો પાછળ મોટા ભાગે વાહનોની ઓવર સ્પીડ કારણભૂત હોવાનું જાણવા મળે છે. આ બાબતને ગંભીરતાથી લઈને રાજ્ય સરકારે ગુડ ગવર્નન્સ તરફ વધુ એક નકકર કદમ ભર્યુ છે. રાજ્યમાં ઓવર સ્પીડથી ચાલતા વાહનો પર બ્રેક લગાવવા અને તેમની સામે કડક દંડનીય કાર્યવાહી કરવા રૂ.૩.૯૦ કરોડનાં ખર્ચે યુ.એેસ. બનાવટની અદ્યતન લેઝર ટેક્નોલોજી આધારિત નવી ૩૯ સ્પીડ ગન ખરીદવામાં આવી છે.

અદ્યતન ટેકનોલોજી આધારિત વિકસાવવામાં આવેલી ૩૯ નવી સ્પીડ ગન પૈકી પાંચ સ્પીડ ગન અમદાવાદ શહેરને ફાળવવામાં આવશે જ્યારે બાકીની સ્પીડ ગન તમામ જિલ્લાઓના ટ્રાફિક પોલીસ મથકને ફાળવવામાં આવશે. રુ.૧૦ લાખની કિંમતની આ પ્રત્યેક સ્પીડ ગન હાઇટેક સ્પીડ ગન છે. જે એક સેકન્ડમાં ત્રણ વાહનોની એક કિલોમીટર દૂરથી જ ઝડપ માપી શકે છે. તેની રેન્જ ૦ થી ૩૨૦ કી.મી/કલાક સુધીની ઝડપ માપી શકે તેવી ક્ષમતાની છે.

સ્ટેટ ટ્રાફિક બ્રાંચના પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએે આ સ્પીડ ગન વિશે માહિતી આપતા કહ્યું કે, ઓવર સ્પીડ વાહનનાં ચાલકોને પુરાવા સાથે ઈ-મેમો પણ મોકલી શકાશે અને આ જ સ્પીડ ગનથી ઓન ધ સ્પોટ ફોટો સાથેનો મેમો જનરેટ કરીને પણ આપી શકાશે. એટલું જ નહીં આ સ્પીડ ગનમાં વાહનોની સ્પીડનું વિડિયો રેકોર્ડિંગ પણ સ્ટોર થતું રહેશે જેથી ભવિષ્યમાં વાહનચાલક સાથે સ્પીડ બાબતની કોઈ બોગસ તકરાર ઉભી થાય તો પુરાવા પણ સ્પીડ ગનમાંથી જ મળી રહેશે.

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાની સૂચનાથી સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના પોલીસ મહાનિરીક્ષક પીયૂષ પટેલના માર્ગદર્શન હેઠળ આ સ્પીડ ગન સંબંધિત ત્રિદિવસીય તાલીમનું આયોજન ગુજરાત પોલીસ અકાદમી કરાઇ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાતો દ્વારા તમામ જિલ્લામાં ટ્રાફિકને લગતી કામગીરી સંભાળતા ૨૦૦ જેટલા પોલીસ અધિકારી-કર્મચારીઓને તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે. જેથી આવનારા દિવસોમાં અદ્યતન, આધુનિક અને પુરાવા સાથેની સ્પીડ ગનથી ગુજરાત રાજ્યના તમામ શહેર/જિલ્લાઓમાં ઓવર સ્પીડનાં કેસ કરી કડક દંડનીય કાર્યવાહી કરવાનું ચાલુ કરી ઓવરસ્પીડથી ચાલતા વાહનો પર બ્રેક લગાવી શકાશે.