લોકસભાચૂંટણીમાં તમામ બેઠકો પર નેક્સ્ટ જનરેશન M-૩ EVM નો ઉપયોગ કરાશે

ગાંધીનગર- રાજ્યમાં આગામી લોકસભાની ચૂંટણીમાં તમામ બેઠકો પર નેક્સ્ટ જનરેશન M-૩ EVM નો ઉપયોગ કરાશે. આ નિર્ણય ચૂંટણીપંચ દ્વારા લેવામાં આવ્યો છે. જેને લઇને રુપિયા 5626 કરોડના ખર્ચે નવા 40 લાખ VVPAT યુનિટનું ઉત્પાદન કરાશે.2019માં લોકસભાની સામાન્ય ચૂંટણીઓમાં રાજ્યની તમામ લોકસભાની ૨૬ બેઠકો ઉપર સંપૂર્ણ સુરક્ષાથી સજ્જ નેક્સ્ટ જનરેશન M-3 EVM (ઇલેકટ્રોનિક્સ વોટિંગ મશિન) મુકવામાં આવશે. જેનાથી મતદાનને વધુને વધુ વિશ્વસનીય, સુરક્ષિત અને પારદર્શક બનાવી શકાશે. સમય પ્રમાણે EVMનું આધુનિકરણ કરવામાં આવે છે. અગાઉ વર્ષ-૨૦૦૬ પહેલા EVM એ M-1 તરીકે, જ્યારે વર્ષ-૨૦૦૬ થી ૨૦૧૦ દરમિયાન તૈયાર થયેલા EVMએ M-2 તરીકે ઓળખાતા હતા, જ્યારે વર્ષ-૨૦૧૩થી ચૂંટણી પંચે નેક્સ્ટ જનરેશન EVM અમલી બનાવ્યા છે. જેને M-3 EVM તરીકે ઓળખવામાં આવે છે. ડિજિટલ ઇન્ડિયાને વધુને વધુ પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે EVM અને VVPAT નું અમલીકરણ એક અગત્યનું પગલું સાબિત થયું છે. દેશના મતદારોએ ટેકનોલોજીથી સજ્જ નવીન અને ઝડપી મતદાન પદ્ધતિને સફળતાપૂર્વક અપનાવી છે, તેમ મુખ્ય નિર્વાચન અધિકારીએ જણાવ્યું હતું.

EVM આધારિત મતદાન પદ્ધતિને વધુને વધુ પારદર્શક બનાવવાના હેતુથી ભારતીય ચૂંટણી પંચે વર્ષ-૨૦૧૩થી વોટર વેરિફાયરેબલ પેપર ઓડિટ ટ્રેઇલ (VVPAT) અમલી બનાવ્યું છે. VVPATથી મતદાતા સુનિશ્ચિત કરી શકે છે કે તેનો વોટ કયા પક્ષ અને ઉમેદવારને ગયો, જ્યારે તે EVM નું બટન દબાવે છે તો વોટ પડવાની સાથે VVPAT એક કાપલી પ્રિન્ટ કરે છે. તેના પર લખેલું હોય છે કે, વોટ કોને ગયો. કાપલી કાચના એક બોક્સમાં જોવા મળે છે. તેને મતદાતા ૭ સેકન્ડ સુધી જોઇ શકે છે, ત્યાર બાદ કાપલી  VVPATના ડ્રોપ બોક્સમાં પડી જાય છે. જૂન ૨૦૧૭થી દેશમાં યોજાયેલી તમામ ચૂંટણીઓમાં VVPATનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આગામી ચૂંટણીઓને ધ્યાને રાખીને રૂ.૫૬૨૬ કરોડના ખર્ચે નવા ૪૦ લાખ BU, CU  અને VVPAT યુનિટનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.વર્ષ ૧૯૮૦-૮૧માં સૌ પ્રથમવાર ઇલેકટ્રોનિક કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ અને ભારત ઇલેકટ્રોનિક લિમિટેડ દ્વારા EVM તૈયાર કરીને નિદર્શન કરવામાં આવ્યું હતું. દેશમાં સૌ પ્રથમવાર ૧૯૮૨-૮૩માં પેરુર વિધાનસભા બેઠક પર ૫૦ મતદાન મથકો ઉપર EVMનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વર્ષ-૨૦૦૦થી લોકસભાની ત્રણ સામાન્ય ચૂંટણીઓ તેમજ ૧૧૩ રાજ્ય વિધાનભાની ચૂંટણીઓમાં EVMનો સફળ ઉપયોગ કરવામાં આવ્યો છે. ભારતીય EVM વન ટાઇમ પ્રોગ્રામેબલ છે એટલે કે તેના ઉપર બીજા સોફટવેર ઇન્સ્ટોલ કરી શકાતા નથી. મતદાતા દ્વારા વોટ નાંખતા જ બેલેટ યુનિટ નિષ્ક્રિય થઇ જાય છે, તેમ છતાં ત્યારે જ સક્રિય થાય છે, જ્યારે કન્ટ્રોલ યુનિટ પર બેઠેલા અધિકારી આગામી વોટ માટે બટન દબાવે છે. EVMના અમલથી મતદાન બાદ ઝડપી મતદાન ગણતરી અને તેના ડેટા સાચવવામાં પણ ખૂબ જ સરળતા રહે છે. આ સ્ટેન્ડલોન મશિન છે. આધુનિક ટેકનોલોજીથી સજ્જ આ EVMમાં રેડીયો ફ્રિકવન્સીની અસર થતી નથી તેમજ તેમાં વાયરલેસ કોમ્યુનિકેશન શક્ય નથી. એટલે કે આ EVM સંપૂર્ણ સુરક્ષિત છે, તેનું હેકીંગ કરી શકાતું નથી, તેમ રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીએ ઉમેર્યું હતું.