આગામી 5 દિવસમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

0
2777

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી મેઘરાજાએ દક્ષિણ ગુજરાતને જ ઘમરોળ્યું છે ત્યારે છેલ્લા બે દિવસમાં સૌરાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્ર પર મહેરબાન થાય તેવી શક્યતા છે. સૌરાષ્ટ્રમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતા દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થાય તેવી આગાહી કરવામાં આવી છે.

હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી 5 દિવસ ગુજરાતમાં સારે મેઘમહેર થઈ શકે છે. તેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન ખાતાએ આગાહી કરતા જણાવ્યું છે કે સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં અનરાધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. તો જ્યાં છેલ્લા કેટલાક દિવસથી સારો વરસાદ વરસી રહ્યો છે તેવા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં વલસાડ, નવસારી, સૂરત, ડાંગ, તાપી, દમણમાં અનરાધાર વરસાદ વરસે તેવી શક્યતા હવામાન વિભાગે કરી છે.

ઉલ્લેખનીય છે કે  છેલ્લા 24 કલાકથી વલસાડમાં મેઘરાજા અવિરતપણે વરસી રહ્યાં છે. અહીં ઉમરગામમાં 8 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો હતો  તો સાથે જ  અમરેલીમાં મેઘરાજા મહેરબાન થયા હતા. તો સાવરકુંડલામાં ભારે વરસાદને કારણે દાધિયાની ઘાણો અને દલી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઇ હતી. તો રાજુલાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો જેના કારણે નદીઓમાં નવા નીર આવ્યા હતા. તો આ તરફ રાજકોટમાં મેઘરાજાએ વિરામ લીધો છે. તો શાપર વેરાવળમાં સારો વરસાદ નોંધાયો છે. 1 થી દોઢ ઇંચ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે, તો બોટાદમાં ધીમીધારે વરસાદના સમાચાર મળી રહ્યાં છે. જ્યારે ગોંડલ તાલુકાના રિબડા, ગુંદાસરા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે.