ઉત્તર ગુજરાતમાં મેઘ મહેર: પાલનપુર-આબુ રોડ પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર ખોરવાયો

અમદાવાદ- રાજ્યમાં ફરી એકવાર મેઘરાજાએ ધીમી ધારે વરસાદની શરૂઆત કરતા ગુજરાતના ઘણાં ખરા વિસ્તારોમાં મેઘ મહેર થઈ હતી. ભારે વરસાદના કારણે કેટલાક ડેમોમાં નવા નીરની આવક થઈ હતી. તો ઘણા ડેમ ઓવરફ્લો થતાં દરવાજાઓ ખોલવા પડયા છે.

24 કલાક દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં ધોધમાર વરસાદ પડ્યો છે. પોશીનામાં અને સતલાસણામાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. એકદરે ઉત્તર ગુજરાતમાં બંગાળના દરિયામાં લો પ્રેસર બન્યું હતું તે આગળ વધી રહ્યું છે. જેને પગલે આજે ભારેથી અતિભારે વરસાદ સંભાવના છે.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ફરી એક વાર વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારેથી અતિભારે વરસાદ ખાબકે તેવી શક્યતા છે. ભારે વરસાદને પગલે પાલનપુર આબુરોડ હાઈવે પર પાણી ભરાયા હતા. પાણી ભરાવાના પગલે એક તરફનો માર્ગ બંધ કરી દેવાયો હતો. જેને પગલે રાજસ્થાનથી ગુજરાત આવતો વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો.

33 જિલ્લાના 191 તાલુકામાં વરસાદ

રાજ્યમાં મેઘરાજા મહેરબાન બન્યા છે. રાજ્યના 33 જિલ્લાના 191 તાલુકમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ પડ્યો છે. જેમા સાબરકાંઠાના પોશીનામાં છ ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે વડનગરમાં બે ઈચ અને વિસનગરમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 64.45 ટકા વરસાદ પડ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં સરેરાશ 16.74 ટકા વરસાદ પડ્યો છે. બનાસકાંઠાના દિયોદર અને લાખણી પંથકમાં પણ મધરાતથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. સતત થી વરસી રહેલા વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા છે. છેલ્લા 24 કલાકમાં દિયોદરમાં 34 મિમી જયારે લાખણીમાં 50 મિમી વરસાદ નોંધાયો છે.

કડાણા ડેમમાં હજુ પણ પાણીની ધરખમ થઇ રહી છે. ડેમના આઠ ગેટ પાંચ ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી 86 હજારક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ઉપરવાસમાં વરસાદ અને મહી બજાજ ડેમમાંથી પાણી છોડતા ડેમમાં 2 લાખ 10 હજાર ક્યુસેક આવક થઇ છે. ડેમમાં પાણીની સપાટી 414.00 ફૂટે પહોંચી છે. જયારે કે ભયજનક સપાટી 419 ફૂટ છે.સાબરકાંઠા જિલ્લામાં પણ વહેલી સવારથી વરસાદ પડ્યો છે. હિંમતનગર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. હિંમતનગરના ધનપુરા, ખેડ, રામપુર જામ્મુડી સહિતના ગામોમાં વરસાદ થયો છે. ગઇ કાલે સવારથી સાજ સુધી ત્રણ ઇચ વરસાદ ખાબક્યો. આજે પણ વરસાદ સવારથી સમગ્ર જિલ્લામાં વરસી રહ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]