અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં શિશુઓનાં મરણઃ ગુજરાત સરકાર તપાસ કરાવશે

પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ – અમદાવાદની સરકાર હસ્તકની સિવિલ હોસ્પિટલમાં ગયા શુક્રવારની મધરાતથી લઈને શનિવાર રાત સુધીમાં ઓછામાં ઓછા 9 નવજાત બાળકોનાં મરણ નિપજ્યાં હતા.

ગુજરાત સરકારે આજે એક નિવેદનમાં જણાવ્યું છે કે કયા સંજોગોમાં આ બાળકોનાં મરણ થયા તે વિશે તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

હોસ્પિટલના એક અધિકારીએ કહ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસમાં ૧૮ બાળકોનાં મરણ નિપજ્યા છે.

ગુજરાત સરકારે કહ્યું છે કે મેડિકલ એજ્યૂકેશનના ડેપ્યૂટી ડાયરેક્ટર આર.કે. દીક્ષિતની આગેવાની હેઠળની સમિતિ બાળકોનાં મરણના કારણ તથા સંજોગોની તપાસ કરશે.

સરકારે એમ પણ જણાવ્યું છે કે, મૃત્યુ પામેલા ૯માંના પાંચ બાળકોને બહુ દૂરના સ્થળોએથી અહીં લાવવામાં આવ્યા હતા અને ખૂબ જ ઓછા વજનને કારણે એમની તબિયત ખૂબ જ નાજુક અવસ્થામાં હતી. જ્યારે અન્ય કેટલાક બાળકો જીવલેણ બીમારીઓથી પીડાતા હતા અને તેથી એમની તબિયત ખૂબ ગંભીર બની ગઈ હતી.

અહેવાલો અનુસાર, મૃત્યુ પામેલા આ 9 બાળકોમાંના પાંચ બાળકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યારે આ હોસ્પિટલમાં જન્મ લેનાર ચાર બાળકોને શ્વાસની ગંભીર તકલીફ થઈ હતી.

આ બાળકોનાં મરણ નિપજ્યાને હોસ્પિટલના સત્તાવાળાઓએ સમર્થન આપ્યું છે.

સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ એમ.એમ. પ્રભાકરે કહ્યું છે કે, તમામ 9 શિશુઓનું વજન આવશ્યક્તા કરતાં ઓછું હતું. રાજ્યના અન્ય શહેરોમાંથી પાંચ શિશુઓને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. એક બાળકનું વજન તો માત્ર 1.1 કિલોગ્રામ હતું. એને 130 કિ.મી. દૂરના સ્થળેથી અમદાવાદમાં લાવવામાં આવ્યો હતો. એ દર્દીને એ જ વિસ્તારની કોઈ અન્ય સરકારી હોસ્પિટલમાં લઈ જવાની જરૂર હતી.

પ્રતિકાત્મક તસવીર

આ બાળકોને લુણાવાડા (મહિસાગર), સુરેન્દ્રનગર, માનસા (ગાંધીનગર), વિરમગામ (અમદાવાદ જિલ્લો), હિંમતનગર (સાબરકાંઠા)માંથી ગંભીર હાલતમાં અમદાવાદની હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

એમને તત્કાળ સિવિલ હોસ્પિટલના ઈન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ એમણે શનિવારે અંતિમ શ્વાસ લીધો હતો.

તમામ બાળકો આવશ્યક્તા કરતાં ઓછા વજનનાં હતાં. પરિણામે એમને જન્મતાવેંત ગંભીર બીમારી લાગુ પડી હતી.

દરમિયાન, ગુજરાતના આરોગ્યપ્રધાન શંકર ચૌધરીનું કહેવું છે કે સિવિલ હોસ્પિટલમાં એકેય બાળકનું મરણ થયું નથી. આ બધી અફવા છે.

કોઈ અનિચ્છનીય બનાવ ન બને એટલા માટે સિવિલ હોસ્પિટલની બહાર પોલીસોને ગોઠવી દેવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આ જ પ્રકારનો બનાવ ગયા ઓગસ્ટ મહિનામાં ઉત્તર પ્રદેશમાં બન્યો હતો જ્યાં ગોરખપુર અને ફરુખાબાદ શહેરોની હોસ્પિટલોમાં ઓક્સિજન ન મળવાને કારણે 60 નવજાત બાળકોનાં કરૂણ મરણ નિપજ્યા હતા. પેમેન્ટ કરાયું નહોતું એટલે હોસ્પિટલ ખાતે ઓક્સિજનની વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]