ગુજરાતઃ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા હવાની ગુણવત્તામાપન માટે નવા સ્ટેશનો સ્થપાશે

ગાંધીનગર– અમદાવાદ તથા ગાંધીનગર જિલ્લામાં પરિસરીય હવાની ગુણવત્તા દિલ્હી તથા અન્ય રાજ્યોની સાપેક્ષમાં સારી છે, તેમ છતાં પરીસરીય હવાની ગુણવત્તા વધુ સારી બનાવવા અર્થે સૂચનો થયા હતા. અમદાવાદની પરીસરીય હવાની ગુણવત્તા સુધારવા લેવાના થતા વિવિધ પગલાં પર વિસ્તૃત ચર્ચા કરતાં મુખ્ય સચિવ જે.એન.સીંઘે જણાવ્યું હતું કે, આ બેઠકમાં અગમચેતી રૂપે વિવિધ નિર્ણયો લેવાયા હતા. તેમજ ગુજરાતમાં પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ હવાની ગુણવત્તા માપન માટે નવા સ્ટેશનો સ્થાપશે.મુખ્ય સચિવ જે. એન. શીંઘે વધુ માહિતી આપતા કહ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી સમયમાં બસોના પ્રમાણમાં વધારો કરવાનું આયોજન છે, તેના ભાગરૂપે કોર્પોરેશન આગામી સમયમાં નવી તમામ બસો સી.એન.જી. આધારિત જ ખરીદશે. ટ્રાન્સપોર્ટેશન વિભાગ દ્વારા પંદર વર્ષથી જૂના કોમર્શીયલ વાહનોનું રજીસ્ટ્રેશન રદ કરવા અંગેની નીતિ બનાવવામાં આવશે. સી.એન.જી./ઇલેક્ટ્રીકથી ચાલતા ઓછી પ્રદૂષણ ક્ષમતા ધરાવતા વાહનોની ખરીદીમાં પ્રોત્સાહન આપવા માટે નાણાકીય સહાય તથા વાહનોની ખરીદી માટે સબસીડી ફાળવવા માટે નીતિ બનાવામાં આવશે. શહેરના ગીચ વિસ્તારોમાં પબ્લિક ટ્રાન્સપોર્ટનો વ્યાપ વધારવા માટે દરેક મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવશે.

આ ઉપરાંત પીયુસી સર્ટીફિકેટ વ્યવસ્થાના સુદ્દઢીકરણ માટે કાર્યવાહી કરવામાં આવશે તથા પીયુસી અંર્તગત વાહનોની ચકાસણી સઘન કરવામાં આવશે. Three Wheeler (ત્રીચક્રી) વાહનો ને CNG માં રૂપાતરીત કરવા સહાય આપવા નીતિ બનાવવામાં આવશે. પિરાણા ખાતે મ્યુનિસિપલ ઘન કચરાની સાઇટના કચરામાંથી ઊર્જા ઉત્પન્ન કરવા બાબતે GERC (Gujarat Energy Regulatory Commission) તથા અન્ય ટેકનીકલ પાસાઓના અભ્યાસ અર્થે અલગ બેઠક યોજી વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. હયાત લેન્ડફીલ સાઇટ ખાતે મ્યુનિસિપલ ઘન કચરાનો “કાયમી નિકાલ” કરવા અર્થે નાણાકીય સહાય અંગેની દરખાસ્ત સરકાર સમક્ષ ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે.ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા હાલમાં રાજ્યભરમાં પરીસરીય હવાની ગુણવત્તાનું સારી રીતે માપન કરવામાં આવી રહેલ છે. પરંતુ વધુ સઘન માપણી અંગે નવા સ્ટેશનો લગાવવામાં આવશે. ચંદીગઢ તથા હરિયાણાની જેમ અમદાવાદ તથા ગાંધીનગર શહેરને ‘કેરોસીન મુક્ત શહેર’ એટલે કે “Kerosen Free City” કરવા અર્થે ઉજ્જ્વલા યોજનાનું ૧૦૦% અમલીકરણ થાય તે અંગે જરૂરી કાર્યવાહી કરવા માટે નક્કી કરવામાં આવ્યુ. ગ્રીન ટ્રીબ્યુનલ્સ દ્વારા બાયોમાસ ખુલ્લામાં બાળવા અંગે પ્રતિબંધ લગાવેલ છે આ બાબતે વધુ જન જાગૃતિ અર્થે સંલગ્ન વિભાગોને કાર્યવાહી કરવા જણાવાયું છે. અમદાવાદ તથા ગાંધીનગર વિસ્તારમાં ઓટો રિક્ષાઓમાં CNG સિવાય અન્ય બળતણનો વપરાશ ન થાય તેનું સઘન મોનીટરીંગ કરવા, ૫૦ માઈક્રોનથી ઓછી જાડાઈવાળા પ્લાસ્ટિકના વપરાશ પરના પ્રતિબંધ બાબતે સઘન ચેકિંગ કરી પ્લાસ્ટિક રૂલ્સની જોગવાઓનું અમલીકરણ કરાવવા, ઉપરાંત બેઠકમાં શહેરમાં વોલ ટુ વોલ કાર્પેટ તથા અનપેવ્ડ વિસ્તારોમાં પેવમેન્ટ કરી ડસ્ટીંગ ઓછુ કરવા પર ભાર મુકવામાં આવ્યો હતો. સંબંધિત વિભાગોને જરૂરી લાંબા ગાળા તથા ટૂંકા ગાળાનો એક્શન પ્લાન બનાવી તેના અમલીકરણ માટે પણ બેઠકમાં સૂચના આપવામાં આવી હતી.

આ બેઠકમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષ અને વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સભ્ય સચિવ કે. સી. મિસ્ત્રી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમાર , અન્ન, નાગરીક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સીંઘ, શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ મુકેશ પુરી, પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વિભાગના અગ્ર સચિવ વિપુલ મિત્રા, ટ્રાન્સપોર્ટ કમિશનર આર.એમ.જાદવ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર, ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, ગાંધીનગર કલેક્ટર સતિષ પટેલ સહિત સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.